Tue Oct 06 2026

Logo

વેસ્ટ ઇન્ડિઝના પહેલી વખત વન-ડેમાં 400 રન, ભારત સામે 406 રનનો પહાડ જેવો પડકાર

2026-09-30 18:52:05
Author: Ajay Motiwala
વેસ્ટ ઇન્ડિઝના પહેલી વખત વન-ડેમાં 400 રન, ભારત સામે 406 રનનો પહાડ જેવો પડકાર

ગુવાહાટીઃ શાઈ હોપના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે અહીં ભારત (INDIA) સામે વન-ડે ક્રિકેટમાં પોતાના માટે નવો ઇતિહાસ રચ્યો છે. 1975 અને 1979માં વન-ડેના પહેલા બન્ને વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝે પહેલી જ વખત એક વન-ડે (ODI)માં 400 રન બનાવ્યા છે. કૅરિબિયનોએ ભારતના નબળા પેસ પાવરનો ફાયદો લીધો અને ઢગલો રન ખડકી દીધા.

કૅરિબિયનોએ બૅટિંગ મળ્યા પછી આક્રમક શરૂઆત કરી હતી અને શરૂઆતમાં 37મા રને પ્રથમ વિકેટ ગુમાવ્યા પછી 110 રનની અને 182 રનની, એમ બે મોટી ભાગીદારીની મદદથી છેવટે 50મી ઓવરને અંતે 7/405નો તોતિંગ સ્કોર બતાવી આ મૅચ જીતીને સિરીઝ 1-1થી બરાબરીમાં કરવાની દિશામાં પગલું ભર્યું હતું.

ભારત માટે 406 રન બનાવવાનો તોતિંગ લક્ષ્યાંક છે. જોકે વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, કે. એલ. રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, નમન ધીર વગેરે બૅટ્સમેનો ભારતને આ ટાર્ગેટ અપાવી શકે એમ છે. જો એવું થશે તો 2006માં ઑસ્ટ્રેલિયાના 4/434 સામેના સાઉથ આફ્રિકાના 9/438 સ્કોરની અને અવિસ્મરણીય જીતની યાદ તાજી થશે.

ઓપનર જૉન કૅમ્પબેલ (101 રન, 68 બૉલ, પાંચ છગ્ગા, નવ ચોગ્ગા), કૅપ્ટન શાઈ હોપ (104 રન, 94 બૉલ, ત્રણ છગ્ગા, આઠ ચોગ્ગા) અને આમિર જાંગુ (114 રન, 77 બૉલ, ત્રણ છગ્ગા, તેર ચોગ્ગા)ની સેન્ચુરીને લીધે કૅરિબિયન ટીમ માટે વન-ડે ફૉર્મેટના પંચાવન વર્ષના ઇતિહાસમાં પહેલી વખત 400 રન સુધી પહોંચવા માટેનો માર્ગ મોકળો થયો હતો. જોકે ટીમને 400 રન સુધી પહોંચાડવામાં છેલ્લે રૉસ્ટન ચેઝ (29 અણનમ) અને શમાર જોસેફ (14 અણનમ)ના પણ મહત્ત્વના યોગદાન હતા. ભારત વતી ગુરનૂર બ્રાર, રવીન્દ્ર જાડેજા તથા કુલદીપ યાદવે બે-બે વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી હતી. આ મૅચથી આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર પેસ બોલર આકિબ નબીને 84 રનમાં એકેય વિકેટ નહોતી મળી.

રવિવારે કુલદીપ યાદવની ચાર વિકેટ બાદ કોહલી (139 અણનમ) અને ગિલ (110 રન)ની મોટી ઇનિંગ્સેે ભારતની જીત આસાન બનાવી હતી. જોકે વેસ્ટ ઇન્ડિઝે જૉન કૅમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની સદી સાથે ભારતને વળતો જવાબ આપ્યો છે.

શાઇ હોપની ટીમે પોતાના દેશનો અગાઉનો 389 રનનો વિક્રમ તોડી નાખ્યો હતો. આ પહેલાં કૅરિબિયનોના એક મૅચમાં 389 રન હાઇએસ્ટ હતા જે તેમણે 2019માં ઇંગ્લૅન્ડ સામે બનાવ્યા હતા. વન-ડેના બે મોટા દેશોમાં ઇંગ્લૅન્ડના ઑસ્ટ્રેલિયા સામેના 6/481 હાઇએસ્ટ છે.