Sat Apr 18 2026

Logo

અમદાવાદ 41 ડિગ્રીમાં શેકાયું, મુંબઈમાં હીટવેવનું એલર્ટ, જાણો ક્યાં પડશે કરા

2026-03-10 08:32:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ/મુંબઈઃ ચાલુ વર્ષે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ગુજરાતમાં ગરમીને ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આજે પણ 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. 

અમદાવાદમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, સુરતમાં 40.6 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.6 ડિગ્રી,  રાજકોટમાં 41.6 ડિગ્રી, કેશોદમાં 40.8 ડિગ્રી, પોરબંદરમાં 37.8 ડિગ્રી, દ્વારકામાં 28.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ મુજબ, આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, મોરબી, બનાસકાંઠા, પાટણ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, બોટાદ, ભરૂચ, સુરતમાં હીટવેટની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર સહિત સમગ્ર ઉત્તર કોંકણમાં ગરમીએ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે. પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 11 માર્ચના રોજ તો ભયંકર ગરમીનું 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે 11 માર્ચ સુધી હીટવેવનું યલો એલર્ટ રહેશે. માર્ચના શરૂઆતના અઠવાડિયામાં જ પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવો એ છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી રહ્યો છે. મુંબઈ ઉપરાંત ઠાણે, પાલઘર, રાયગઢ, નાસિક, જલગાંવ અને અમરાવતીમાં પણ લૂની અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગ પ્રમાણે, જમ્મુ-કાસ્મીર, હિમાચલ પ્રદેશમાં તાપમાન 5 થી 7 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. પશ્ચિમ હિમાચલ વિસ્તારમાં 15 માર્ચ સુધીમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. તેનાથી આ વિસ્તારમાં વરસાદ અને હીમવર્ષા થઈ શકે છે.  જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં 10 થી 12 માર્ચ સુધી ગાજવીજ, વીજળી સાથે ભારે પવન તથા કરા પડી શકે છે. 10-11 અને 13-15 માર્ચ વચ્ચે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં 10 માર્ચે લૂ જેવી સ્થિતિની ચેતવણી આપવામાં આવી છે.
 

આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં તાપમાન સામાન્ય કરતા 3-5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની ધારણા છે. આ સમય દરમિયાન પવન મધ્યમ ગતિએ ફૂંકાશે. દરમિયાન બિહારના મોટાભાગના ભાગોમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. 

હવામાન વિભાગે 10 અને 11 તારીખે ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, વિદર્ભ, ગુજરાતમાં 11 માર્ચ સુધી અને મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ વિસ્તારમાં 10 માર્ચે હીટવેવની ચેતવણી છે. આજે 10 માર્ચે પશ્ચિમ બંગાળમાં હવામાન બદલાઈ શકે છે અને આગામી દિવસોમાં હવામાન એવું જ રહેવાની ધારણા છે. હવામાન વિભાગ અનુસાર દાર્જિલિંગ, જલપાઈગુડી અને ઉત્તર દિનાજપુર માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.