Thu Jul 23 2026

Logo

સુરતમાં મૂળ નોર્થ-ઈસ્ટના IPSને ઈન-ચાર્જ પોલીસ કમિશનર બનાવાયા, રાષ્ટ્રપતિ મેડલથી છે સન્માનિત

2026-07-04 09:33:00
Author: Vimal Prajapati
Article Image

સુરત: ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં ફરી એકવાર મહત્વના વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સિનિયર IPS અધિકારી અને ADGP વાબાંગ જામીર (Wabang Jamir) ને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર (Surat Police Commissioner) તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ આ પદ પર ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ બદલી થતાં આ જગ્યા ખાલી પડી હતી, જેના પગલે હવે વાબાંગ જામીરને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.  ગુજરાત સરકારના સત્તાવાર આદેશ અનુસાર, લાંબા સમયથી 'વેઇટિંગ ફોર પોસ્ટિંગ' રહેલા વાબાંગ જામીર આગામી આદેશ સુધી સુરત પોલીસ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સંભાળશે. 

કોણ છે વાબાંગ જામીર? 

વાબાંગ જામીર ગુજરાત કેડરના અત્યંત અનુભવી અને પ્રતિષ્ઠિત પોલીસ અધિકારીઓમાંના એક છે. તેમની કારકિર્દીની વાત કરવામાં આવે તો, તેઓ 1999ની બેચના IPS અધિકારી છે. તેમણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.E. ની ડિગ્રી મેળવેલી છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ વર્ષ 2021 માં તેમને પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ' (President’s Police Medal) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાબાંગ જામીર અગાઉ સુરત શહેરમાં સેક્ટર-1 ના સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે તેઓ શહેરની ભૌગોલિક અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિથી ખૂબ સારી રીતે વાકેફ છે. આ સિવાય તેઓ ગાંધીનગર ખાતે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) માં આઇજીપી (IGP) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

શા માટે બદલાયા સુરતના પોલીસ ચીફ?

સુરતના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને તાજેતરમાં જ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) બનાવવામાં આવ્યા બાદ, ગેહલોતને અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો હતો. જો કે, આગામી સમયમાં યોજાનારી જગન્નાથ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકારે તેમને ત્યાં કાયમી નિયુક્તિ આપી દીધી છે. અમદાવાદમાં અનુપમસિંહ ગેહલોતની કાયમી નિમણૂક થતાં જ સુરત કમિશનરની જગ્યા ખાલી પડી હતી, જેને પગલે સરકારે વાબાંગ જામીરને સુરતની કમાન સોંપી દીધી છે. સુરત જેવા આર્થિક પાટનગર અને સંવેદનશીલ શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ નવા ઇન્ચાર્જ કમિશનર માટે મુખ્ય પડકાર રહેશે.