Mon May 25 2026

Logo

મગજ મંથનઃ મંચની ભવ્યતા જ્ઞાનીજનોથી રળિયાત બને, નહીં કે ધનાઢ્ય મહાનુભાવોથી...!

2026-05-20 09:56:00
Author: Vitthal Vaghasiya
Article Image

વિઠ્ઠલ વઘાસિયા


પૈસાને પ્રથમ હરોળમાં બેસાડવાની અને જ્ઞાનને મંચની નીચે ઉતારી દેવાની જે નવી ‘સંસ્કૃતિ’ ઊભી થઈ છે, તેને આજે લોકો ગર્વથી ‘પ્રગતિ’ કહે છે. હકીકતમાં આ પ્રગતિ નથી, આ તો વિચાર શક્તિનું દેવાળિયું છે. એક સમય હતો જ્યારે મંચ પર જ્ઞાન બેસતું હતું અને પૈસા તેની સેવા કરતા હતા. આજે પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે પૈસા મંચના માલિક બની ગયા છે અને જ્ઞાનને દરવાજા પાસે ઊભું રાખવામાં આવે છે.

પ્રાચીન સમયમાં જ્ઞાનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવતું હતું. ગુરુઓને દેવ તુલ્ય માનવામાં આવતા અને શિષ્યો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્યાગ અને સંયમનો માર્ગ અપનાવતા હતા. તે સમયનો સમાજ આદર્શ, સંસ્કાર અને જ્ઞાનના આધાર પર આગળ વધતો હતો, પરંતુ  હવે  આર્થિક વિકાસ અને વૈશ્વિકીકરણના યુગમાં પૈસા એ સફળતાનું મુખ્ય માપદંડ બની ગયું છે.

આજના સમયમાં જો કોઈ વ્યક્તિ ધનવાન હોય તો તેને સમાજમાં વિશેષ માન-સન્માન મળે છે, ભલે તેની પાસે જ્ઞાન કે સંસ્કારનો અભાવ હોય. બીજી તરફ, જો કોઈ વ્યક્તિ ખૂબ જ્ઞાની હોય, પરંતુ આર્થિક રીતે નબળો હોય તો તેને યોગ્ય માનપાન મળતાં નથી. આ વિસંગતિ આપણા સમાજનાં મૂલ્યોમાં આવેલા પરિવર્તનનું પ્રતિબિંબ છે.

પૈસાનું મહત્ત્વ સ્વીકારવું ખોટું નથી. પૈસા જીવન જીવવા માટે જરૂરી છે. તે આપણી આવશ્યકતા ઓ પૂરી કરવા, આરોગ્ય, શિક્ષણ અને સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે પૈસા જ જીવનનું મુખ્ય લક્ષ્ય બની જાય અને જ્ઞાનને પાછળ ધકેલવામાં આવે, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે.

સમાજના કાર્યક્રમોમાં નજર કરીએ તો દૃશ્ય ખૂબ સ્પષ્ટ છે. મંચ પર કોણ બેસશે તે હવે વિચાર, પ્રામાણિકતા કે અનુભવથી નક્કી થતું નથી. તે નક્કી કરે છે બેંક બેલેન્સ! ખીસું જેટલું ભારે, ખુરશી એટલી આગળ. પરાકાષ્ઠા તો જુઓ એ જ મંચ પરથી જ્ઞાન, સંસ્કાર અને મૂલ્યોનાં ભાષણો પણ આપવામાં આવે છે !

આ પરિસ્થિતિ સમાજ પર સૌથી મોટો કટાક્ષ છે. હકીકતમાં જે સમાજમાં જ્ઞાનને તાળી મળે અને પૈસાને માર્ગદર્શન લેવું પડે, તે સમાજ જ વિકાસ પામે છે. જ્યારે પૈસા તાળી મેળવે અને જ્ઞાન માર્ગ પૂછતું રહે, ત્યાં વિકાસ નહીં, માત્ર દેખાવની ઉજવણી થાય છે.

સૌથી દુ:ખદ વાત એ છે કે આ આગને લોકો પોતે જ પ્રગટાવી રહ્યા છે અને તેને ઉજવણી માની રહ્યા છે.આજના શિક્ષણ પ્રણાલીમાં પણ આ અસર જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણને માત્ર નોકરી મેળવવા અને પૈસા કમાવવા માટેનું સાધન માને છે. તેઓ જ્ઞાન મેળવવાની ભાવનાને ભૂલી જાય છે. પરિણામે, તે ડિગ્રી તો મેળવી લે છે, પરંતુ સાચું જ્ઞાન અને મૂલ્યો તેમના જીવનમાં નથી ઊતરતાં. આ પરિસ્થિતિ સમાજ માટે ચિંતાજનક છે.

સોશ્યલ મીડિયા પણ આ માનસિકતાને પ્રોત્સાહન આપે છે. ધનવાન લોકોની જીવનશૈલીને ગ્લેમરસ રીતે રજૂ કરવામાં આવે છે, જ્યારે જ્ઞાની અને વિદ્વાન લોકોના યોગદાનને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. આથી યુવાનોમાં પણ પૈસા કમાવાની દોડ વધી રહી છે અને જ્ઞાન પ્રત્યેનો રસ ઘટી રહ્યો છે.

આ પરિસ્થિતિને સુધારવા માટે સમાજમાં મૂલ્યોનું પુન:સ્થાપન જરૂરી છે. શિક્ષણમાં માત્ર માહિતી નહીં, પરંતુ મૂલ્ય શિક્ષણ અને વિચારશક્તિ પર ભાર આપવો જોઈએ. 

ટૂંકમાં એવું કહી શકાય કે પૈસા અને જ્ઞાન બંનેનું જીવનમાં પોતપોતાનું સ્થાન છે. જ્ઞાન એ મૂળ છે અને પૈસા એ તેના ફળ છે. જો મૂળ મજબૂત હશે, તો ફળ સ્વાભાવિક રીતે મળશે.