બેંગલૂરુ પહેલા નંબર પર: કોલકાતાના બૅટ્સમૅન રઘુવંશીના 71 રન પાણીમાં
રાયપુર: લક્ષ્યાંક સફળતાથી ચેઝ કરવા માટે જગવિખ્યાત વિરાટ કોહલી (105 અણનમ, 60 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર)એ બુધવારે આઈપીએલમાં પોતાની ઐતિહાસિક મૅચમાં વિક્રમજનક નવમી સેન્ચુરી સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ને પોઇન્ટ્સ ટેબલમાં મોખરે લાવી દીધું હતું. એ સાથે સતત ચાર મૅચ જીતનાર કોલકાતાનો વિજયરથ અટક્યો હતો. વિરાટ પાછલી બે મૅચમાં ઝીરોમાં આઉટ થયો હતો, પણ આ વખતે તેણે ટીકાકારોને બતાવી આપ્યું કે 37 વર્ષની ઉંમરે પણ પોતે ટાર્ગેટ ચેઝ કરતી વખતે વિક્રમજનક અને મૅચ વિનિંગ સેન્ચુરી કરી શકે છે.
વિરાટે ધોની અને રોહિતનો વિક્રમ તોડ્યો
આઈપીએલમાં વિરાટની આ 279મી મૅચ હતી. તે 19 વર્ષ જૂની આ ભારતીય લીગ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મૅચ રમનારો ખેલાડી બન્યો છે. તેણે 278-278 મૅચ રમનાર એમએસ ધોની અને રોહિત શર્માનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ-બુકમાં રવીન્દ્ર જાડેજા (265 મૅચ) ચોથા નંબરે અને દિનેશ કાર્તિક (257 મૅચ) પાંચમા નંબરે છે.

વરસાદના વિઘ્નને લીધે બુધવારની મૅચ એક કલાક મોડી શરૂ થઈ હતી. કોલકાતાએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 192 રન કર્યા હતા. બેંગ્લૂરુ (Bengaluru)એ જવાબમાં 19.1 ઓવરમાં ચાર વિકેટે 194 રન બનાવીને પોઇન્ટ્સ-ટેબલમાં ગુજરાતને હટાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
પોઇન્ટ્સ ટેબલમાં કોની કેવી સ્થિતિ?
ગુજરાતની જેમ બેંગ્લૂરુના પણ 16 પોઇન્ટ થઈ ગયા છે અને પ્લે-ઑફમાં લગભગ પહોંચી જ ગયું છે. હૈદરાબાદ (14 પોઇન્ટ) ત્રીજા નંબરે અને પંજાબ (13 પોઇન્ટ) ચોથા નંબરે છે. ચેન્નઈ (12 પોઇન્ટ) અને રાજસ્થાન (12 પોઇન્ટ) અનુક્રમે પાંચમા તથા છઠ્ઠા સ્થાન પર છે. ટૉપ-ફોરમાં રહેવા માટે આ છ ટીમ વચ્ચે હરીફાઈ છે. દિલ્હી (10 પોઇન્ટ) સાતમા ક્રમે અને કોલકાતા (9 પોઇન્ટ) આઠમા ક્રમે છે. પ્લે-ઑફ માટે આ બે ટીમનો ચાન્સ નહીં જેવો છે. માત્ર 6-6 પોઇન્ટ મેળવનાર મુંબઈ અને લખનઊની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.
વિરાટ-પડિક્કલની 92 રનની ભાગીદારી
બુધવારે ઓપનર જેકબ બેથેલ 15 રન બનાવીને આઉટ થઈ ગયા બાદ વિરાટે દેવદત્ત પડિક્કલ (39 રન, 27 બૉલ, સાત ફોર) સાથે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને વિજયનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ વિરાટ (Virat)ની નજર સામે એક પછી એક ત્રણ બૅટ્સમેન આઉટ થયા હતા, પરંતુ પોતે અડીખમ રહ્યો હતો.

કોલકાતાના છ બોલરમાંથી કાર્તિકને ત્રણ વિકેટ
આ મૅચ 20મી ઓવરમાં જવાને બદલે વહેલી પૂરી થઈ ગઈ હોત, પણ બેંગ્લૂરુની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડી હતી. છેવટે વિરાટે જિતેશ શર્મા (આઠ અણનમ) સાથેની જોડીમાં બેંગ્લૂરુની નૌકા પાર પાડી હતી. છેલ્લી ઓવરમાં બેંગ્લૂરુએ જીતવા માટે ત્રણ રન કરવાના હતા અને પેસ બોલર સૌરભ દુબેના પહેલા જ બૉલમાં જિતેશ શર્માએ વિનિંગ ચોગ્ગો ફટકારી દીધો હતો. કોલકાતાના કુલ છ બોલરમાંથી ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ સૌથી વધુ ત્રણ વિકેટ અને સ્પિનર સુનીલ નારાયણે એક વિકેટ લીધી હતી.
રઘુવંશીના લડાયક 71 રન એળે ગયા
એ પહેલાં, કોલકાતાએ નબળી શરૂઆત બાદ ટોટલ છેવટે 200 રનની નજીક પહોંચાડવામાં સફળતા મેળવી હતી. 20 ઓવરમાં કોલકાતા (Kolkata)એ ચાર વિકેટે 192 રન કર્યા હતા જેમાં અંગક્રિશ રઘુવંશી (71 રન, 46 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે તેની આ લડાયક હાફ સેન્ચુરી છેવટે વિરાટની સદીને કારણે પાણીમાં ગઈ હતી.
કોલકાતાએ 23મા રને ઓપનર ફિન ઍલન (18 રન)ની અને 48મા રને કૅપ્ટન-ઓપનર અજિંક્ય રહાણે (19 રન)ની વિકેટ ગુમાવી હતી એટલે કોલકાતાની ટીમ વધુ મુસીબતમાં મોટી મુકાઈ શકે એમ હતી. જોકે રઘુવંશી ક્રીઝમાં ટકી રહ્યો હતો અને કૅમેરન ગ્રીન (32 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે તેણે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી.
116 રનના ટોટલ પર ગ્રીને વિકેટ ગુમાવી ત્યાર બાદ રઘુવંશીએ રિન્કુ સિંહ (49 અણનમ, 29 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ને જોડીદાર બનાવ્યો હતો અને તેની સાથે ચોથી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરીને કોલકાતાને સેફ ઝોનમાં લાવી દીધું હતું. રઘુવંશી છેક 20મી ઓવરના અંતિમ બૉલ પર રનઆઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ અને ભુવનેશ્વર કુમારે તેને રનઆઉટ કર્યો હતો.
બેંગ્લૂરુના પાછલી મૅચના હીરો કૃણાલ પંડ્યાને 39 રનમાં અને જૅકબ ડફીને 48 રનમાં એક પણ વિકેટ નહોતી મળી, જ્યારે એક-એક વિકેટ ભુવનેશ્વર કુમાર, રસિખ સલામ તથા જૉશ હૅઝલવૂડે લીધી હતી.
આજે કઈ મૅચ?
આજે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને યજમાન પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની 58મી મૅચ રમાશે. મુંબઈ પ્લે-ઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. જોકે છેલ્લી સતત ચાર મૅચ હારી જનાર પંજાબ માટે આ મૅચ આબરૂનો સવાલ છે.