Wed Jul 29 2026

Logo

વિરારમાં રહેણાક બિલ્ડીંગમા લાગેલી આગમાં નવનો બચાવ

2026-03-22 20:34:43
Author: Sapna Desai
Article Image

મુંબઈ: વિરાર (પૂર્વ)માં ૧૨ માળની એક રહેણાક બિલ્િંડગમાં રવિવારે સવારના ફાટી નીકળેલી આગમાં નવ રહેવાસીઓેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. પ્રશાસનના જણાવ્યા મુજબ વિરાર પૂર્વમાં  આવેલી બિલ્િંડગના આઠમા માળ પરના એક ફ્લેટમાં સવારના ૧૧ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગ ઝડપભેર આજુબાજુના બીજા બે ફ્લેટમાં પણ ફેલાઈ ગઈ હતી. આગમાં ત્રણ ફ્લેટના પ્રવેશદ્વાર પેનલને નુકસાન પહોંચાડયું હતું. 

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આઠમા માળ પરના ફ્લેટમાં આગ લાગી અને તેને કારણે નીકળેલા ધુમાડાને કારણે ફ્લેટને રહેવાસીઓ અંદર જ ફસાઈ ગયા હતા. તેઓ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યા નહોતા. આઠમા માળ પર નવ રહેવાસીઓ ફસાઈ ગયા હતા, જેમાં બાળકો સહિત જયેષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે.

આગની જાણ થતા ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  એ અગાઉ તેઓએ આઠમા માળ પર ફસાઈ ગયેલા નવ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આગ પર નિયંત્રણ મેળવવામાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો.

ફાયરબિગ્રેડના જણાવ્યા મુજબ આગ લાગી તે બિલ્ડિંગ ફક્ત બે વર્ષ જૂની છે, છતાં બિલ્ડિંગમાં સુરક્ષાના સાધનોનો અભાવ હતો. આગની દુર્ઘટના બાદ રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે ફાયર સેફટી ઓડિટ કરાવવાની માગણી કરી હતી. તપાસ બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે.