રાજકોટ:રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન સંસ્થાએ અનેક સેવા કાર્યો કરીને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિલન કોઠારીએ કર્યું હતું તથા પ્રાસંગિક સંબોધન પણ કર્યું હતું, જેમાં વિજય રૂપાણીના કાર્યોની ઝલક આપવામાં આવી. મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, જૈન વિઝન સંસ્થા દ્વારા ભજન, ભોજન, ભક્તિ, જીવદયા, સેવા અને માનવતાલક્ષી કાર્યો વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવ્યા છે. વિવિધ સેવા કાર્યો દરમિયાન પ્લેન ક્રેશમા અવસાન પામેલા સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત દિવગંત આત્માઓને સાચા અર્થમાં સ્મરણાંજલિ પાઠવવામાં આવી હતી.
નમસ્કાર મહામંત્રના જાપ કરાયા
ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપનું રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય,સી એમ પૌષધ શાળા ખાતે આયોજન કરાયું હતું.જેમાં વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી, મેયર નેહલ શુક્લ,ધારાસભ્ય ડો, દર્શિતા શાહ, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, પૂર્વ મેયર બીના આચાર્ય, ઋસભ રૂપાણી, જૈન અગ્રણી સી એમ શેઠ, અંશ અભયભાઈ ભારદ્વાજ, કાશમીરાબેન નથવાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માનવતાને મહેકને આગળ વધારતા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને 250 કીલો લાડવા તથા પારેવાના ચણ 100 કિલોનું દાન કરવામાં આવ્યું છે.બાળકો પ્રત્યે હંમેશા વિશેષ પ્રેમભાવ રાખનારા વિજય રૂપાણીએ બાળદેવો ભવઃની ભાવનાને યર્થાથ કરી હતી.હવે એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિરાણી મૂક-બુધિર શાળા સંસ્થાના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવાયુ હતું.
ગરીબોનું કલ્યાણ એ જ ભક્તિમાર્ગ
ગરીબોનું કલ્યાણ એ જ ભક્તિમાર્ગમાં સંપૂર્ણપણ માનનારા રૂપાણી પરિવારે રોટી અભિયાનમાં પણ ભાગ લીધો, જે નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત છે. આ દિવસે ઝૂપડપટ્ટી અને છેવાડાના લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજન સેવા ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને પાર્સલ લેવા પહોંચાડવાની પણ ઉત્તમ સેવાના માધ્યમ પરિવારજનો બન્યા હતા. રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટમાં જરુરીયાતમંદ લોકોને ભોજન-ટિફિન પાર્સલ આપીને ઉત્તમ સેવા આપવામાં આવી હતી. બોલબાલા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અન્નપૂર્ણા રથમાં લોકોનો જઠરાગ્નિ ઠારવામાં ટીમ જૈન વિઝન નિમિત્ત બની.
જીવદયાની વિચારાધારા વહેતી રહી
વિજય રૂપાણીએ હંમેશા જીવદયાની વિચારધારાને વહેતી રાખી હતી. રક્ષક સમીતા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃતિને આ દિવસે વેગ મળ્યો હતો. શ્રદ્ધાંજલિ અર્પણ સાથે છાશ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.કે.કે.વી ચોક કલાવડ રોડ પાસે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વ. વિજયભાઈ અને અન્ય દિવંગતોના સ્મરણાર્થે જૈન વિઝન દ્વારા સેવા કાર્યોની હારમાળા યોજાઈ હતી.