વલસાડઃ જિલ્લામાં આજ સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાપીમાં સવારે 6 થી 8 એમ માત્ર બે કલાકના સમયગાળામાં જ 4 ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ધોધમાર વરસાદથી વાપી જળબંબોળ
વાપી શહેરમાં આજે વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને વાપી શહેરને પૂર્વ અને પશ્ચિમ ભાગ સાથે જોડતા બંને મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
અંડરપાસમાં પ્રવેશેલા અનેક ટુ અને ફોર-વ્હીલર વાહનો પડી ગયા બંધ
શહેરના વ્યસ્ત ગણાતા છીપવાડ અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના અંદાજ વિના અંડરપાસમાં પ્રવેશેલા અનેક ટુ અને ફોર-વ્હીલર વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી હતી.
અંડરપાસ ઉપરાંત, વાપીના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા J ટાઈપ GIDC ક્વાર્ટર્સ અને તેની આસપાસના મુખ્ય રસ્તાઓ પર પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા કારખાનામાં જતા શ્રમિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સફાઈના દાવાઓ પોકળ
ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ વાપીની આ દશા થતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે થતી નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સફાઈના દાવાઓ માત્ર કાગળ પર જ હોવાનું આજના વરસાદે સાબિત કરી દીધું છે. સામાન્ય વરસાદમાં જ જો અંડરપાસ બંધ થઈ જતા હોય, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ વધુ કફોડી બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, સવારે 6 થી 8ના સમયગાળા દરમિયાન વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાપીમાં સૌથી વધુ 4.13 ઇંચ, ઉમરગાવમાં 1.73 ઇંચ, પારડીમાં 1.54 ઇંચ, વલસાડમાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં 0.91 ઇંચ, બારડોલીમાં 0.43 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારના 2 કલાકમાં કુલ 27 તાલુકામાં વરસાદ વરસ્યો છે.