Wed Jul 01 2026

Logo

અમદાવાદ - સુરત સહિત ગુજરાતના આ 21 શહેરોમાં વંદે ભારતની કનેક્ટિવિટી, જુઓ લિસ્ટ

2026-02-17 14:14:42
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ  રાજ્યના 21 શહેરોમાં વંદે ભારતની કનેક્ટિવિટી મળી રહી છે. અસારવા-ઉદેપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાની સાથે જ ઉત્તર ગુજરાતના શહેરો પણ આની સાથે જોડાઈ ચુક્યા છે.  ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલનપુર, મહેસાણા, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા, ઓખા, જૂનાગઢ, વેરાવળ, નવસારી, હિંમતનગરમાં વંદે ભારતની કનેક્ટિવિટી મળી રહી છે. 

અમદાવાદને મળે છે 6 વંદે ભારત ટ્રેનની સુવિધા

રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ મુખ્ય હબ તરીકે કાર્યરત છે, જ્યાં તમામ છ વંદે ભારત ટ્રેનોની સુવિધા મળે છે. વડોદરા, સુરત, વાપી, રાજકોટ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર જેવા શહેરોમાં બે વંદે ભારત સેવાઓ ઉપલબ્ધ છે. જ્યારે પાલનપુર, મહેસાણા, જામનગર, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, દ્વારકા, આણંદ, વલસાડ, નવસારી અને હવે હિંમતનગરમાં એક-એક ટ્રેન સેવા ઉપલબ્ધ છે.

ગુજરાતમાં કાર્યરત વંદે ભારત ટ્રેનોની વિગત

  1. મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (20901/20902)
    પશ્ચિમ ભારતની આ પ્રથમ સેમી-હાઈ-સ્પીડ સેવા મુંબઈને ગાંધીનગર સાથે જોડે છે, જે વાપી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ જેવા વેપારી કેન્દ્રો પર ઉભી રહે છે.
     
  2. જોધપુર – સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (12461/12462)
    આ આંતરરાજ્ય સેવા રાજસ્થાનના જોધપુરને સાબરમતી (અમદાવાદ) સાથે જોડે છે. ગુજરાતમાં તે પાલનપુર અને મહેસાણા ખાતે ઉભી રહે છે, જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડે છે.
     
  3. અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ (22925/22926)
    અમદાવાદને દરિયાકાંઠાના શહેર ઓખા સાથે જોડતી આ ટ્રેન દ્વારકા જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ છે. તેના મુખ્ય સ્ટોપેજમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જામનગરનો સમાવેશ થાય છે.
     
  4. અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (22961/22962)
    અમદાવાદ-મુંબઈ વચ્ચે વધતી માંગને પહોંચી વળવા શરૂ કરાયેલી આ ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી ખાતે મર્યાદિત સ્ટોપેજ સાથે ચાલે છે, જે મુસાફરીનો સમય ઘટાડે છે.
     
  5. સાબરમતી – વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (26901/26902)
    સોમનાથના ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે આ ટ્રેન સાબરમતી (અમદાવાદ) ને વેરાવળ સાથે જોડે છે. તે વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ થઈને પસાર થાય છે.
     
  6. અસારવા (અમદાવાદ) – ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ (26963/26964)
    આ નવી ટ્રેન ઉદયપુર સિટી (રાજસ્થાન) ને અમદાવાદના અસારવા સાથે જોડે છે. તેના  સ્ટોપેજ ઝાવર, ડુંગરપુર અને હિંમતનગર ખાતે છે.