Fri Jul 24 2026

Logo

વલસાડના ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂક્યું, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આવો આરોપ

2026-04-14 13:29:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ વલસાડના ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ઉમરગામ રેલવે સ્ટેશન પર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવ્યું હતું. જેના કારણે તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું. રાત્રે 11:40 કલાકની આસપાસ બની હતી. મામલતદારે આ રીતે આપઘાત કરતા અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી.

વલસાડના ઉમરગામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. ગઈકાલે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો. મામલતદાર સમગ્ર દિવસ દરમિયાન કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા.  રાતના 10-11 વાગ્યા સુધી કામ કર્યું હતું. ઉમેદવારના ફોર્મ મંજૂર કર્યા બાદ તેના પર મહોર મારવાની મુખ્ય ભૂમિકા હતી. રાત્રે  11:40 કલાકની આસપાસ તેમણે ટ્રેન સામે ઝંપલાવ્યું હતું. જેને લઈ ચકચાર મચી ગઈ હતી.

આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપના નેતાઓના દબાણથી મામલતદારને આપઘાત કરવીની ફરજ પડી હતી.  ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે તેમના પર ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરવી પડી છે.

આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું, કેટલાક અધિકારીઓ દ્વારા ભાજપનો ખેસ પહેરી લીધો હોય તેવું વર્તન કરવામાં આવે છે. કેટલાક પોલીસ અધિકારીઓ ઉમેદવારના ઘરે જઈને ડરાવી, ધમકાવી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓ પણ ખોટી રીતે ફોર્મ રદ કરી રહ્યા છે.