વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ એવા મુરદડ ગામમાં એક એવી ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર પંથક હચમચાવી ગયું છે. પરિવારના જ મોભીનું મોત થતાં શરૂઆતમાં કિસ્સો સામાન્ય મારામારીનો મામલો લાગતો હતો, પરંતુ પોસ્ટમોર્ટમના ખુલાસા બાદ સમગ્ર ઘટનાએ ખૂની વળાંક લીધો. મુરદડ ગામના બામણ ફળિયામાં રહેતા 46 વર્ષીય ભરતભાઈ મોતીરામભાઈ પવારને ગંભીર હાલતમાં પહેલા વલસાડ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પોલીસે ઊંડી તપાસ કરતા રહસ્ય ખુલ્યું.
પરિવાર ત્રાસ સહન કરતો
શરૂઆતમાં અકસ્માત કે સામાન્ય ઇજાની આશંકા વચ્ચે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે, ભરતભાઈનું મોત કુદરતી નહીં, પરંતુ હુમલાના કારણે થયું હતું. ત્યારબાદ ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી અને ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા. હકીકત એવી હતી કે, ભરતભાઈને દારૂ પીવાની લત હતી. તેઓ અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પત્ની, બંને પુત્રો અને પરિવારજનો સાથે ઝઘડો, ગાળાગાળી અને મારામારી કરતા હતા.
લાંબા સમયથી પરિવાર આ ત્રાસ સહન કરી રહ્યો હતો અને ઘરમાં સતત તંગદિલીનું વાતાવરણ રહેતું હતું. આવા માહોલ વચ્ચે એક દિવસ એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પોલીસના જણાવ્યા મુજબ, 10 જુલાઈની સાંજે ભરતભાઈ ફરી નશાની હાલતમાં ઘરે પહોંચ્યા હતા.
પિતાને મોતને ઘાટ ઊતાર્યા
એ દિવસે ઘરમાં ફરી એકવાર ડખો થયો હતો. ઉગ્ર બોલાચાલી શરૂ થતાં બંને પુત્રોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત વધુ વણસતા ગુસ્સે ભરાયેલા મોટા પુત્રે ઘરમાં પડેલા કુહાડીના લાકડાના હાથાથી પિતાના માથામાં અનેક ઘા ઝીંક્યા હતા. આમ ઘા મારતા પિતાનું મોત નીપજ્યું હતું. બંને પુત્રો વિઠ્ઠલ પવાર અને યોગેશ પવારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ આ ઘટનામાં અન્ય મુદ્દાઓને લઈને પણ તપાસ કરી રહી છે. પોલીસના રિપોર્ટ બાદ જ કેટલાક વિષયો પરના સવાલ સ્પષ્ટ થશે.