Tue Sep 08 2026

Logo

વાકોલા નદીમાં આડેધડ થતા ડમ્પિંગ રોકવા બીએમસી સ્ટીલ નેટ બેસાડાશે

2026-09-02 09:00:14
Author: Sapna Desai
વાકોલા નદીમાં આડેધડ થતા ડમ્પિંગ રોકવા બીએમસી સ્ટીલ નેટ બેસાડાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના મોટા નાળાઓમાં ઠલવાતા કચરાને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એકવાર સ્ટીલ નેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
 છેલ્લાં બે વર્ષમાં મુંબઈના અનેક સંવેદનશીલ સ્થળોએ આવેલા નાળાઓ પર  નેટ બેસાડ્યા બાદ પ્રશાસન હવે વાકોલા નાળામાં ઝૂંપડાવાસીઓ દ્વારા ઠલવાતા કચરાને રોકવા માટે એક પટ્ટા પર ૧૦ ફૂટ ઊંચી સ્ટીલ નેટ  લગાવવાની છે.


જ્ઞાનેશ્વર ઝૂંપડપટ્ટીની બાજુમાં આવેલી વાકોલા નદીમાં ઝૂંપડાવાસીઓ દ્વારા  કચરાના આડેધડ ડમ્પિંગને કારણે તે જોખમી સ્તરે પ્રદૂષિત થઈ ગઈ છે અને પાણીનો માર્ગ ગટર જેવો બની ગયો  છે. નાળામાં ફેંકવામાં આવતા કચરાને કારણે પાણીનો પ્રવાસ અટકી રહ્યો હોવાની અનેક વખત પાલિકા પાસે  ફરિયાદ પણ આવી છે, તેથી પાલિકાએ કચરો ઠલવાતો રોકવા માટે હવે નેટ બેસાડવાનો નિર્ણય લીધો છે.

બુધવારે સ્થાઈ સમિતિની બેઠકમાં પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેઇન ડિપાર્ટમેન્ટ દ્વારા  વાકોલા નદીની રિટેનિંગ વોલ પર કચરો ફસાવવાની નેટ લગાવવાને લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ  ૧.૭૯ કરોડ રૂપિાનો  છે અને તેનો હેતુ ઘનકચરાને પાણીના માર્ગમાં પ્રવેશતા અટકાવવાનો છે.

પાલિકાના કહેવા મુજબ મેઈન એવન્યૂ નાળા અને સાઉથ એવન્યૂ નાળા પર લગાવવામાં આવેલી આવી જ જાળીથી નાળાઓમાં કચરો ફેંકવાના પ્રમાણમાં ઘટાડો થયો છે. વાકોલામાં સતત આવી રહેલી ફરિયાદને પગલે અહીં સ્ટીલ નેટ બેસાડવામાં આવવાની છે. 

પાલિકાના દાવા મુજબ આ પગલાથી  ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ફર્નિચર, કબાટ અને સોફા સહિત મોટા કચરાના ડમ્પિંગ મોટા નાળામાં કરવામાં આવતો હોય છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૩માં સ્ટોર્મ વોટર ડ્રેઇન ડિપાર્ટમેન્ટ બાન્દ્રા પશ્ર્ચિમમાં પી ઍન્ડ ટી કોલોનીમાં સ્ટીલ જાળીનો ઉપયોગ શરૂ કર્યો હતો. સકારાત્મક પરિણામો બાદ આ પહેલ ઝૂંપડપટ્ટી અને ચાલ નજીકના અન્ય સંવેદનશીલ નાળાઓમાં પણ વિસ્તારવામાં આવી હતી.  મુંબઈમાં ૩૦૯ મોટા અને ૧,૫૦૮ નાના નાળાને કચરામુક્ત રાખવો પાલિકા પ્રશાસન માટે એક મોટા પડકાર રહ્યો છે.