Tue Oct 06 2026

Logo

ઘાટકોપરના પંતનગરમાં 61 વર્ષના ગુજરાતીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

2026-09-08 09:55:00
Author: Mumbai Samachar Team
ઘાટકોપરના પંતનગરમાં 61 વર્ષના ગુજરાતીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પૂર્વના પંતનગર પરિસરમાં સોમવારે એક 61 વર્ષના ગુજરાતીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ ઈમારતની ટેરેસ પરથી નીચે પડ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર ઘટનાને લઈને પંતનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા વિવિધ પાસાં તપાસવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, સોમવાર, 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12.30 વાગ્યે પૂર્વ કંટ્રોલ રૂમમાંથી પંતનગર પોલીસને પંતનગરની સીમા રાજધાની ઈમારત ક્રમાંક 14માંથી એક વ્યક્તિ ટેરેસ પરથી નીચે પડ્યા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ગારોડિયા નગરના રહેવાસી મનીષ મણિલાલ ભાયાણી (ઉંમર 61 વર્ષ) હોવાનું વરિષ્ઠ પોલીસ નિરીક્ષક લતા સુતારે મુંબઈ સમાચારને જણાવ્યું હતું. તેઓ બોલ બેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

ઘટનાની જાણ થતાં જ તાબડતોબ પોલીસે ઘટના સથળે પહોંચી  મનીષ ભાયાણીના મૃતદેહને રાજાવાડી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ પ્રકરણે પોલીસે ઈન્ક્વેસ્ટ પંચનામું હાથ ધર્યું છે. પરિવારજનો અને સંબંધીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું  કે મનીષ ભાયાણી સોમવારે સવારે આશરે 9.37 વાગ્યે ઈમારત ક્રમાંક 14ના ફ્લેટ 1302માં રહેતા તેમના પરિચિત અશોક કરસનદાસ સોલંકી (ઉંમર 71 વર્ષ)ને મળવા ગયા હતા. મનીષ ભાયાણી અને અશોક સોલંકીના પુત્ર કૃષ્ણા સોલંકી (ઉંમર 45 વર્ષ) વચ્ચે વ્યવસાયિક નાણાકીય લેવડદેવડ સંબંધિત વ્યવહાર હોવાની જાણકારી પોલીસ તપાસમાં બહાર આવી હતી. કૃષ્ણા સોલંકી છેલ્લા એક વર્ષથી તેમના પિતા સાથે રહેતા ન હોવાનો ખુલાસો પણ પોલીસ તપાસમાં થયો હતો.

ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન મનીષ ભાયાણી સવારે 10.40 વાગ્યે ઈમારતમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેમને મુકવા માટે અશોક સોલંકી પણ તેમની સાથે બહાર આવ્યા હતા. ત્યારબાદ સવારે આશરે 11 વાગ્યે મનીષ ભાયાણી ફરી એક વખત એકલા ઈમારતમાં પ્રવેશ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં તેઓ ઈમારતના 20મા માળે જતા અને ત્યારબાદ ટેરેસ તરફ જતા હોવાનું પણ દેખાયું હતું. ત્યાર પછી તેઓ ટેરેસ પરથી નીચે પડ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટેરેસ પર મનીષ ભાયાણીને જોયા હોવાની માહિતી તે સમયે ત્યાં હાજર 61 વર્ષીય સુરેશ રેખચંદ્ર રાઠીએ પોલીસને આપી હતી.

હાલ પંતનગર પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જો કે ભાયાણી મોટા આર્થિક નુકસાન અને સંકડામણમાં હોવાની બાબત પણ પોલીસ તપાસમાં સામે આવી હોવાથી તેમણે આ કારણસર આત્મહત્યા કરી હોઈ શકે તે દિશામાં તપાસ કરી રહી છે. જો કે ભાયાણી એક વાર તે ઈમારતમાંથી બહાર ગયા તો પાછા ત્યાં શું કામ ગયા તેમજ હજી સુધી તેમની કોઈ સુસાઈડ નોટ કે વિડીયો સામે ન આવ્યો હોવાથી પરિવારજનોએ હત્યાના આક્ષેપ પણ કર્યા છે. મનીષ ભાયાણીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.