લખનઉ: ગઈ કાલે બુધવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની 32મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે રાજસ્થાન રોયલ્સે 40 રનથી જીત મેળવી. લો સ્કોરિંગ મેચમાં RRનો યુવા બેટર વૈભવ સૂર્યવંશી નિષ્ફળ રહ્યો, તે 11 બોલમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો, પરંતુ આ સ્કોર સાથે તેણે બે મોટા રેકોર્ડ બનાવ્યા.
15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી નાની ઉંમરે 500 રન બનાવનાર ખેલાડી બન્યો, તેણે પૃથ્વી શોને પાછળ છોડી દીધો છે, પૃથ્વીએ 19 વર્ષ અને 164 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. RR ના ભૂતપૂર્વ કેપ્ટન સંજુ સેમસન સૌથી નાની ઉંમરે 500 IPL રન પૂરા કરવાના મામલે ત્રીજા સ્થાને સરકી ગયો છે, તેણે 19 વર્ષ અને 195 દિવસની ઉંમરે 500 IPL રન પુરા કર્યા હતાં. વૈભવની ઉંમર માત્ર 15 વર્ષ અને 26 દિવસ છે.
મેક્સવેલનો રેકોર્ડ તોડ્યો:
વૈભવે સૌથી ઓછા બોલમાં 500 IPL રન પુરા કરવાની પણ સિદ્ધી મેળવી છે. વૈભવે IPLમાં 227 બોલમાં 500 રન પુરા કર્યા છે, આ સાથે તેને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ગ્લેન મેક્સવેલનો રેકોર્ડ તોડ્યો છે, ગ્લેન મેક્સવેલે 260 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
વૈભવ ઓરેન્જ કેપનો દાવેદાર:
બુધવારે નિષ્ફળ રહ્યા છતાં વૈભવ આ IPL સિઝનમાં અત્યાર સુધી RR ના ટોપ સ્કોરર છે, તેણે 7 ઇનિંગ્સમાં 254 રન બનાવ્યા છે, જેમાં તેણે બે વિસ્ફોટક ફિફ્ટી ફટકારી છે. ઓરેન્જ કેપની રેસમાં તે ચોથા ક્રમે છે.
વૈભવનું IPL કરિયર:
વૈભવ સૂર્યવંશીએ IPL કરિયરમાં અત્યાર સુધી 14 મેચો રમી છે, તેણે 36.14 ની એવરેજથી 506 રન બનાવ્યા છે. આ દરમિયાન વૈભવની સ્ટ્રાઈક રેટ 213 થી ઉપર રહી છે. IPLની ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને વૈભવ લાઈમલાઈટમાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુની રાહ:
ટૂંક સમયમાં વૈભવ ભારતની સીનીયર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવે તેવી શક્યતા છે, તે સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સાથી નાની ઉંમરનો ખેલાડી બની શકે છે.