સૂર્યવંશીના ફાસ્ટેસ્ટ ફિફ્ટીઃ ટીમ ઇન્ડિયાના બનતાં પહેલાંની અંતિમ મૅચમાં ધમાકેદાર 94 રન ફટકાર્યાઃ ઇન્ડિયા-એને ચૅમ્પિયન બનાવ્યું
દમ્બુલાઃ ઇન્ડિયા-એનો રવિવારે અહીં શ્રીલંકા-એ સામેની વન-ડે ટ્રાયેન્ગ્યૂલર ફાઇનલમાં જયજયકાર થયો અને તિલક વર્મા ઍન્ડ કંપનીએ ટ્રોફી ઉપાડીને આ અવસરને યાદગાર બનાવી દીધો હતો. વૈભવ સૂર્યવંશી (94 રન, 29 બૉલ, આઠ સિક્સર, દસ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. ઇન્ડિયા-એના 9/377ના જવાબમાં શ્રીલંકા-એ ટીમ જોરદાર લડત આપીને 48મી ઓવરમાં 311 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને ભારતીય ટીમે 66 રનથી વિજય મેળવ્યો હતો. શ્રીલંકા-એ સામેની પાછલી મૅચમાં ભારે બબાલ થઈ હતી.
શ્રીલંકન ખેલાડીઓએ આખી મૅચમાં ભારતીય ખેલાડીઓને ગાળ આપી હતી અને ખાસ કરીને વૈભવને નિશાન બનાવ્યો હતો. સુપર ઓવરમાં ભારતનો પરાજય થયો ત્યાર બાદ શ્રીલંકન (SriLankan) ખેલાડીઓએ વૈભવને ઉશ્કેર્યો હતો જેને પગલે વૈભવે કેટલાક શ્રીલંકન ખેલાડીઓને ધક્કે ચડાવ્યા હતા. જોકે વૈભવે રવિવારે ધમાકેદાર પર્ફોર્મન્સથી શ્રીલંકન ટીમને બૅટથી જડબાતોડ જવાબ આપી દીધો છે.
બૅક-ટુ-બૅક ફાઇનલ જિતાડીને અવૉર્ડ જીત્યો
પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવનાર વૈભવ (Vaibhav)નો ભારતની મુખ્ય ટી-20 ટીમમાં સમાવેશ થયો છે. તે આ મહિને આયરલૅન્ડની ટૂર પર જશે અને એ પ્રવાસ પહેલાંની (ભારતની મુખ્ય ટીમ વતી રમતાં પહેલાંની) છેલ્લી મૅચ તે રવિવારે રમ્યો જેમાં તેણે અનેરી છાપ છોડી છે. આઇપીએલ પહેલાં તેણે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં 175 રન ખડકીને ભારતને ફાઇનલ જિતાડી આપી હતી અને હવે બૅક-ટુ-બૅક બીજી આંતરરાષ્ટ્રીય ફાઇનલમાં શાનદાર વિજય અપાવ્યો છે.

11 બૉલમાં 50 રન, નવો વર્લ્ડ રેકૉર્ડ
વૈભવે 11 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા જે લિસ્ટ-એ સ્તરની ક્રિકેટમાં નવો વિશ્વવિક્રમ છે. તેણે શ્રીલંકાના જ ભૂતપૂર્વ ખેલાડી વીરરત્નેનો 12 બૉલની હાફ સેન્ચુરીનો વિક્રમ તોડી નાખ્યો હતો. વૈભવે પાંચ સિક્સર અને પાંચ ફોરની મદદથી 11 બૉલમાં ફિફ્ટી પૂરા કર્યા અને પછી રનમશીનને વેગ આપતા રહીને બીજા 44 રન ફટકાર્યા હતા. તેની અને સાથી ઓપનર પ્રિયાંશ આર્ય (39 રન, 29 બૉલ, એક સિક્સર, છ ફોર) સાથે 8.5 ઓવરમાં 132 રનની ભાગીદારી કરી હતી.
ટીમને જશ અપાવવામાં યશનું પણ યોગદાન
શ્રીલંકા-એની જેમ ઇન્ડિયા-એ ટીમે પણ સાત બોલરનું આક્રમણ કર્યું હતું. એમાં પેસ બોલર યશ ઠાકુર (7-0-45-3) સૌથી સફળ હતો. યજમાન ટીમની પહેલી ત્રણેય વિકેટ લઈને તેમને મુસીબતમાં તેણે જ મૂકી દીધા હતા. જો શ્રીલંકન ટીમની શરૂઆત સારી થઈ હોત તો જીતી શક્યા હોત, પણ યશ ઠાકુરે તેમને એમાં નિષ્ફળ બનાવ્યા હતા. ટૉપ-ઑર્ડરના ત્રણ બૅટ્સમેન નિરોશાન ડિકવેલા (પચીસ રન), અવિષ્કા ફર્નાન્ડો (ત્રણ રન) અને નુવાનિદુ ફર્નાન્ડો (21 રન)ને યશ ઠાકુરે વહેલા પૅવિલિયન ભેગા કરીને શ્રીલંકન ટીમના સઢમાં ત્રણ મોટા ગાબડાં પાડ્યા હતા. સ્પિનર વિપ્રજ નિગમ (9.1-0-60-3) ટીમનો બીજો સફળ બોલર હતો. ઑફ સ્પિનર અનુકૂલ રૉયે (9-0-42-2) પણ બે ભાગીદારી તોડી હતી. ફાસ્ટ બોલર અશોક શર્મા તથા ખુદ કૅપ્ટન તિલક વર્માએ એક-એક વિકેટ લીધી હતી. શ્રીલંકન ટીમમાં વનુજા સહાન (62 રન) અને સદીરા સમરવિક્રમા (બાવન રન)ની હાફ સેન્ચુરી એળે ગઈ હતી.