વડોદરા: શિક્ષકને આપણે માતા કરતાં પણ વધારે મહત્વ આપ્યું છે અને આથી ગુજરાતીમાં આપણે તેને માસ્તર કહીને સંબોધીએ છીએ. પણ તાજેતરમાં જ પ્રકાશમાં આવેલા અમુક કિસ્સાઓએ આ મુદ્દે સવાલ ઊભા કર્યા છે. તાજેતરમાં જ અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીને લાફો ઝીંકી દેતા કાનનો પડદો ફાટી ગયો હતો. ત્યારે હવે એક આવો જ કિસ્સો રાજ્યની સંસ્કારી નગરી વડોદરાથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીએ શિક્ષકને ખાલી "હેપ્પી બર્થડે" કહ્યું હોવા જેવી સામાન્ય બાબતમાં રોષે ભરાય ગયેલા શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હતા.
મળતી વિગતો અનુસાર, વડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલમાં એક વિદ્યાર્થીએ શિક્ષકને "હેપ્પી બર્થડે" કહ્યું હોવા જેવી બાબતમાં રોષે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હોવાનો આક્ષેપ થયો છે. આ બીજે દિવસે પ્રકાશમાં આવી હતી, જ્યારે આ વિદ્યાર્થીએ બીજે દિવસે શાળાએ જવાનો ઇનકાર કરી દીધો હતો અને તેની આપવીતી જણાવી હતી. આથી વાલીએ વિદ્યાર્થીને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને પોલીસને પણ અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ આવી એક ઘટના અમદાવાદમાંથી પ્રકાશમાં આવી હતી. જેમાં શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને શિક્ષકે નજીવી વાતમાં લાફો મારતાં કાનનો પડદો ફાટી ગયો ગતો. શિક્ષકના લાફાથી વિદ્યાર્થીને ડાબા કાનમાં લોહી અને સોજો આવી જતાં સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. શિક્ષક સામે વિદ્યાર્થીને ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલ સંચાલકોએ લાફો મારનારા શિક્ષકને સસ્પેન્ડ કર્યો હતો.
ચાણક્ય સ્કૂલમાં ધો.10માં ભણતો વિદ્યાર્થી પીટીના પીરિયડ દરમિયાન શાળાના મેદાનાં વિદ્યાર્થી મિત્રો સાથે બેસીને વાતો કરતો હતો. આ દરમિયાન શિક્ષક લક્ષ્મણ પરાતે ત્યાં આવી પહોંચ્યા હતા અને વાતચીત જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને વિદ્યાર્થીને જાહેરમાં સણસણતો લાફો માર્યો હતો. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો મારવામાં આવતાં કાનના ભાગેથી લોહી નીકળ્યું હતું અને સોજો આવી ગયો હતો. ઘટનાના પગલા વિદ્યાર્થી ડરી ગયો હતો. જે બાદ સ્કૂલમાંથી વિદ્યાર્થીના પિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.
જ્યારે તેઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે તેમના પુત્રની હાલ ખરાબ હતી અને કાનમાંથી સંભળાતું બંધ થઈ ગયું હતું. વિદ્યાર્થીના પિતા તાત્કાલિક તેને દવાખાને લઈ ગયા હતા, જ્યાં કાનના પડદામાં ગંભીર ઈજા થઈ હોવાનું અને કાણું પડી ગયું હોવાનું સામે આવ્યું હતું.