Thu Jul 23 2026

Logo

વડોદરામાં પૂજારી બનીને ઉપાડી ગયો 14 વર્ષની દીકરી, કર્ણાટકમાં પત્નીની ખોટી ઓળખ આપીને ગોંધી રાખી પણ અંતે....

2026-07-04 16:22:49
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: અંદાજે પાંચેક મહિના પહેલા જ વડોદરામાંથી એક 14 વર્ષની દીકરી ગુમ થઈ ગઇ હતી અને તેની શોધમાં પરિવાર હેરાન થઈ ગયો હતો. જો કે અંતે આ પરિવારની મદદે ગુજરાત પોલીસ આવી હતી. ગુજરાત પોલીસે 1,200 કિલોમીટર દૂર કર્ણાટકમાં જઈ સગીર બાળકીને હેમખેમ ઘરે પરત લાવી પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું. 

ગુજરાત પોલીસે ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવવા માટેની ઓપરેશન મિલાપ નામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરુ કરી હતી. આ ઝુંબેશને વધુ 10 દિવસ લંબાવવામાં આવી. ત્યારે આ તબક્કામાં માત્ર દસ જ દિવસમાં 500 ગુમ થયેલા બાળકો અને પુખ્તવયનાં વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી હતી. 
 
બાળકી 18 ડિસેમ્બર, 2025ના રોજ વડોદરાના છાણી વિસ્તારમાંથી ગુમ થઈ હતી. સ્થાનિક પોલીસે મહિનાઓ સુધી તપાસ કરી. સફળતા ન મળતાં આ કેસ વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવ્યો હતો. 
ટેકનિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સનો ઉપયોગ કરીને, તપાસકર્તાઓએ આરોપી સુનિલકુમાર કેસરીસિંહ બારીયાને કર્ણાટકના શિવમોગાથી શોધી કાઢ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સગીર બાળકીને ફોસલાવીને લઈ ગયો હતો. આરોપીએ જયપુરમાં પૂજારીનો કોર્સ પૂરો કરી નવું નામ ધારણ કરી લીધું હતું અને શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકેની નોકરી શરુ કરી.ત્યાં તેણે બાળકીને પોતાની પત્ની હોવાની ખોટી ઓળખ આપી ગોંધી રાખી હતી.

તપાસ માટે એક મહિલા પોલીસ અધિકારી સહિત વડોદરા AHTUની પાંચ સભ્યોની ટીમ કર્ણાટક પહોંચી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી, ભારે વરસાદ વચ્ચે પણ બે દિવસ સુધી મંદિર પર ચાંપતી નજર રાખી હતી. ત્રીજા દિવસે સવારે આશરે ચાર વાગ્યે જ્યારે આરોપી મંદિરે આવ્યો ત્યારે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે બાળકી ક્યાં છે તેનો ખુલાસો કર્યો. માહિતીનાં આધારે પોલીસે બાળકીને સુરક્ષિત રીતે બચાવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 

ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (વુમન સેલ, સીઆઈડી ક્રાઈમ), અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, "એક મહિનાના ઓપરેશન મિલાપની સફળતા બાદ, અમે આ ઝુંબેશને વધુ 10 દિવસ માટે લંબાવી હતી અને 500 ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને સફળતાપૂર્વક શોધીને તેમના પરિવારો સાથે મેળવ્યા છે. આ લંબાવવામાં આવેલું અભિયાન 12 જૂનથી 21 જૂન દરમિયાન ચલાવવામાં આવ્યું હતું." જેમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરુષોનો સમાવેશ થાય છે.