વડોદરાઃ ડભોઈ તાલુકાના એક ગામના યુવકે રબારી સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેને લઈ યુવતીના પરિવારજનો તેના ઘરે ધસી આવ્યા હતા અને યુવક પર હુમલો કર્યો હતો. તેમજ ઘરમાંથી યુવતીનું અપહરણ કરીને લઈ ગયા હતા.
શું છે મામલો
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં રહેતા એક યુવકે રબારી સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.રબારી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના ઘર પર 15 થી 20 જેટલા શખ્સોના ટોળાએ ત્રાટકીને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઘરમાં તોડફોડ કરી, પરિવારના સભ્યોને લોહીલુહાણ કર્યા બાદ યુવકની પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, કાયાવરોહણ ગામમાં રહેતા વિકાસભાઈ ઉર્ફે અક્ષિત રાવળે ગત 29 જાન્યુઆરી 2026ના રોજ અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન અંગે ગત 8 એપ્રિલના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનું નિવેદન પણ નોંધાવવામાં આવ્યું હતું. જો કે, યુવતીના પક્ષના લોકો આ લગ્નથી નારાજ હતા અને મનમાં અદાવત રાખીને બેઠા હતા.
18 જૂનની રાત્રે આશરે 10.30 વાગ્યે, જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે 15થી 20 જેટલા ઈસમો મોઢા પર રૂમાલ બાંધીને હથિયારો સાથે વિકાસભાઈના ઘરે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને લાકડાની ડાંગ અને લોખંડના કડા વડે પરિવારના સભ્યો પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હિંસક હુમલા દરમિયાન વિકાસભાઈના ભાઈ આસુદ વચ્ચે પડતાં, હુમલાખોરોએ તેમના માથામાં કડું મારી દીધું હતું, જેથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પીડિત યુવકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, હુમલાખોરોએ ઘરમાં રહેલા ફર્નિચર અને અન્ય સામાનની ભારે તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, રક્ષણ માટે બૂમાબૂમ કરી રહેલી તેની પત્નીને હુમલાખોરો ઘરમાંથી બળજબરીપૂર્વક ઢસડીને બહાર લઈ ગયા હતા અને ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસે અપહૃત મહિલાને સહીસલામત મુક્ત કરાવવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.