નડિયાદ / વુસ્ટરઃ અમેરિકામાં એક ગુજરાતી પરિવારનું મોત થયું હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. અમેરિકાના વુસ્ટર શહેરમાં આ હ્રદયકંપાવતી ઘટના બની છે. રિપોર્ટ્સ પ્રમાણે વુસ્ટર આવેલી ઈકો લોજમાં આગ લાગી હતી. આ દરમિયાન આ ગુજરાતી પરિવાર પણ ત્યાં હતા. જેથી આગની કારણે ગૂંગળામણ થતા આ પરિવારનું કરૂણ મોત થયું છે. આ લોકો આગથી બચવા માટે બાથરૂમમાં ગયા અને ત્યાં ધૂમાડાના કારણે ગૂંગળાઈને મોતને ભેટ્યાં હતાં.
હિતેશભાઈ સુથાર પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા
વિગતે વાત કરવામાં આવે તો, આ પરિવાર મૂળ નડિયાદનો છે. હિતેશભાઈ સુથાર, તેમની પત્ની હિનાબેન અને 20 વર્ષની દીકરી ઈશાની સુથાર બે વર્ષ પહેલા જ અમેરિકામં શિફ્ટ થયાં હતાં. બે વર્ષ પહેલા આ લોકો અમેરિકાના વુસ્ટર શહેરમાં સ્થાયી થયો હતો. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે અમેરિકામાં ગયાં પછી તેઓ ક્યારે પાછા નહીં ફરી શકે!
ઘટનાની વાત કરવામાં આવે તો, ઈકો લોજમાં ભીષણ આગ લાગી તેના કારણે આ પરિવાર આગથી બચવા માટે બાથરૂમમાં છુપાયો અને દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો. આગ તો ના પહોંચી પરંતુ ગુંગળાણથી મોત થઈ ગયું. આ મામલે જ્યારે નડિયાદમાં તેમના પરિવારજનોને જાણ થઈ ત્યારે આખા પરિવારને આઘાત લાગ્યો હતો.
બચાવ કામગીરી શરૂ કરાઈ પરંતુ મોડું થઈ ગયું
આ સમગ્ર મામલે ત્યાના સ્થાનિક ફાયર વિભાગનું કહેવું છે કે, આગની જાણ થતાં જ તંત્ર દ્વારા સત્વરે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ પરિવાર જ્યાં છુપાી રહ્યો હતો, ત્યાં પહોંચતા ફાયર ટીમને ઘણું મોડું થઈ ગયું હતું. અત્યારે આ મામલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું? સુરક્ષાના કયા પાસાઓમાં ક્ષતિ રહી ગઈ હતી? આ તમામ મામલે તપાસ કરવામાં આવી રહી છે.