અમૂલ દવે
વિદેશ નીતિમાં પશ્ર્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) હંમેશાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર રહ્યું છે. ઇરાક અને સિરિયા જેવા દેશોમાં અમેરિકન સૈન્યની હાજરી દાયકાઓથી ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળથી જ ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ આ ક્ષેત્રમાંથી પોતાના દળોને પાછા ખેંચવાની હિમાયત કરી છે.
ટ્રમ્પનું માનવું છે કે વિદેશી ભૂમિ પર ચાલતા અનંત યુદ્ધોમાં અમેરિકી સૈનિકોના જીવ અને દેશના સંસાધનોનો દુરુપયોગ બંધ થવો જોઈએ, પરંતુ જો અમેરિકા આ ક્ષેત્રમાંથી પોતાનું સૈન્ય સંપૂર્ણપણે પાછું ખેંચી લે તો તેની પશ્ર્ચિમ એશિયાના રાજકીય, સુરક્ષા અને આર્થિક સમીકરણો પર ખૂબ મોટી અને ઊંડી અસરો પડી શકે છે. આ નિર્ણયની ગંભીરતાને સમજવા માટે ઇરાક અને સિરિયાના ભૂતકાળ અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેવી જરૂરી છે.
વર્ષ 2003માં અમેરિકાએ સામૂહિક વિનાશના હથિયારો (WMD)નો આરોપ મૂકીને ઇરાક પર આક્રમણ કર્યું અને સદ્દામ હુસૈનના શાસનનો અંત આણ્યો. જોકે, ત્યાંથી કોઈ મોટા પાયે આવાં હથિયારો મળ્યા નહીં, પરંતુ આ યુદ્ધે ઇરાકમાં ભયાનક અરાજકતા અને શૂન્યાવકાશ સર્જ્યો. સુન્ની અને શિયા સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધ્યું, જેણે અલ-કાયદા અને પાછળથી આઇએસઆઇએસ (ISIS) જેવા અત્યંત હિંસક આતંકવાદી જૂથોના ઉદય માટે ફળદ્રુપ જમીન પૂરી પાડી.
2014 સુધીમાં આઇએસઆઇએસે ઇરાક અને સિરિયાના મોટા વિસ્તારો પર કબજો જમાવી લીધો હતો. અમેરિકાએ હવાઈ હુમલા અને મર્યાદિત સ્થાનિક દળોના સહયોગથી આઇએસઆઇએસને બેકફૂટ પર ધકેલી દીધું, પરંતુ આ સંગઠનના અવશેષો આજે પણ ઇરાક અને સિરિયામાં સક્રિય રહીને અવારનવાર હુમલા કરે છે.
ઇરાકની વર્તમાન સ્થિતિ ત્રિશંકુ જેવી છે, જ્યાં ઈરાન-સમર્થિત શિયા મિલિશિયા, સુન્ની ઉગ્રવાદી તત્ત્વો અને સ્વાયત્તતાની માગ કરતા કુર્દ જૂથો વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલે છે. બીજી તરફ, સિરિયામાં પણ સત્તાના સમીકરણો અત્યંત જટિલ બન્યા છે. સિરિયામાં હાલમાં જ થયેલા રાજકીય પરિવર્તનોમાં એવા નેતાઓ પણ મુખ્ય ભૂમિકામાં આવ્યા છે, જેમનું ભૂતકાળમાં ઉગ્રવાદી જૂથો સાથે જોડાણ રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની ઉતાવળી વાપસી અને ત્યારબાદ તાલિબાનના સત્તા પરના કબ્જાનું ઉદાહરણ વિશ્વ સમક્ષ તાજું છે.
જો અમેરિકા ઇરાક અને સિરિયામાંથી સૈન્ય પાછું ખેંચવાનો નિર્ણય અમલમાં મૂકે તો તેની પાંચ મુખ્ય અસર જોવા મળી શકે છે. પ્રથમ : સુરક્ષાનો મોટો શૂન્યાવકાશ સર્જાશે. અમેરિકી દળોની હાજરી આઇએસઆઇએસ જેવા સંગઠનો પર અંકુશ રાખવા માટે મહત્ત્વની હતી, જેના અભાવે આતંકવાદી જૂથો ફરી માથું ઊંચકી શકે છે.
બીજું : વિદેશમાં ઈરાનનો પ્રભાવ અભૂતપૂર્વ રીતે વધી જશે. ઇરાક અને સિરિયામાં ઈરાન-સમર્થિત શિયા મિલિશિયા પહેલેથી જ મજબૂત છે, અને અમેરિકાની ગેરહાજરી તેમને વધુ મોકળું મેદાન આપશે.
ત્રીજું : પ્રાદેશિક સંતુલન બગડશે. યમનના હૂથી બળવાખોરો, જેમને ઈરાનનું સમર્થન છે, તે લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલા કરીને વૈશ્વિક વેપાર માટે મોટો ખતરો બની ચૂક્યા છે અને સઉદી અરેબિયા માટે સુરક્ષા પડકાર ઊભો કરી રહ્યા છે. ઈરાનનો વધતો પ્રભાવ સઉદી અરેબિયા અને અન્ય અરબ દેશોની ચિંતામાં વધારો કરશે.
ચોથું : વૈશ્વિક મંચ પર અમેરિકાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થશે. સ્થાનિક સાથીદારો અને કુરદીશ લડવૈયાઓ, જેમણે આઇએસઆઇએસ સામેની લડાઈમાં અમેરિકાનો સાથ આપ્યો હતો, તે પોતાને અસુરક્ષિત અને દગો પામેલા અનુભવશે. અફઘાનિસ્તાનની ઘટના બાદ ઘણા
દેશોને ડર છે કે અમેરિકા તેમને મુશ્કેલીના સમયે એકલા છોડી દે છે.
પાંચમું : વૈશ્વિક ઊર્જા બજાર પર તેની સીધી અસર પડશે. પશ્ર્ચિમ એશિયા તેલનો મુખ્ય ઉત્પાદક દેશ હોવાથી, જો ત્યાં અસ્થિરતા અને યુદ્ધનો માહોલ સર્જાય તો કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રને મંદી તરફ ધકેલી શકે છે.
જોકે, આ નિર્ણયની બીજી બાજુ પણ છે. ટ્રમ્પના સમર્થકો અને કેટલાક રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે કે દાયકાઓથી ચાલેલી અમેરિકી હાજરી સ્થાનિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકી નથી. પશ્ર્ચિમ એશિયાના દેશોએ પોતાની સાર્વભૌમત્વ અને સુરક્ષાની જવાબદારી પોતે જ ઉપાડવી જોઈએ. અમેરિકા પોતાના કરદાતાઓના નાણાં અને સૈનિકોના જીવ અન્ય દેશોની આંતરિક લડાઈઓમાં હોમી શકે નહીં.
અંતમાં, ટ્રમ્પનો સૈન્ય પાછા ખેંચવાનો નિર્ણય ટૂંકા ગાળે અમેરિકા માટે નાણાકીય ખર્ચ અને જીવનું જોખમ ઘટાડી શકે છે, પરંતુ લાંબા ગાળે તે પશ્ર્ચિમ એશિયાને વધુ અસ્થિરતા, આતંકવાદના પુનરુત્થાન અને પ્રાદેશિક સંઘર્ષ તરફ ધકેલી શકે છે. વિશ્વના વેપાર અને શાંતિ માટે પશ્ર્ચિમ એશિયામાં સ્થિરતા અનિવાર્ય છે, અને આ નિર્ણયનો અમલ કેવી રીતે થાય છે તેના પર જ પશ્ચિમ એશિયાનું ભવિષ્ય નિર્ભર રહેશે.