Thu Jun 18 2026

Logo

અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો: હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્યો, મિસાઈલ ઠેકાણાઓ તબાહ

Washington DC   2026-03-18 08:25:00
Author: MayurKumar Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાએ બુધવારે સવારે ઈરાન પર મોટો હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ જણાવ્યું કે, આ હુમલામાં આશરે 2267 કિલોગ્રામ (5000 પાઉન્ડ) વજનના ડીપ પેનટ્રેટર બોમ્બનો ઉપયોગ કરાયો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર હોર્મુઝ ખાડી પાસે ઈરાનના દરિયાઈ વિસ્તારમાં કડક સુરક્ષાવાળા વિસ્તારને નિશાન બનાવાયા હતા.

અમેરિકન સેનાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ ઠેકાણા પર રહેલી એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહરન માટે ખતરો બની રહી હતી. તેથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ઈરાને ઈઝરાયલમાં બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા.

ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું છે કે તેમનો દેશ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પોતાના દુશ્મન દેશોના જહાજોને જવા દેશે નહીં. તેમણે કહ્યું કે આ રસ્તો ઈરાન પાસે છે, તેથી તેઓ તેમના દુશ્મનોને તેનો ઉપયોગ કરવા દેશે નહીં. હાલમાં ત્યાં આસપાસ યુદ્ધ જેવી સ્થિતિ પણ છે, તેથી ઘણા જહાજો પોતે પણ આ રસ્તેથી જતાં ડરી રહ્યા છે.તેમણે એમ પણ કહ્યું કે જ્યારે યુદ્ધ સમાપ્ત થશે, ત્યારે આ માર્ગ માટે નવા નિયમો બનાવવામાં આવશે. ઈરાન ઈચ્છે છે કે ભવિષ્યમાં જહાજો સુરક્ષિત રીતે પસાર થાય અને સાથે જ ઈરાન અને આસપાસના દેશોના ફાયદાને પણ ધ્યાનમાં રાખવામાં આવે.

આ દરમિયાન ખાડી દેશોમાં સતત સાયરનના અવાજ સંભળાઈ રહ્યા છે. બહરીનના ગૃહ મંત્રાલયે સાયરન વાગવાની પુષ્ટિ કરીને નાગરિકો અને રહેવાસીઓને શાંત રહેવાથી તથા સુરક્ષિત સ્થાનો પર જવાનો આગ્રહ કર્યો હતો. કુવૈતમાં પણ સેનાએ જણાવ્યું કે, તેની વાયુ રક્ષા પ્રણાલી દુશ્મનના મિસાઈલ અને ડ્રોન હુમલાનો જવાબ આપી રહી છે. 

ઈઝરાયલ પણ ઈરાન પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલી સેનાના તાજેતરના હુમલામાં ઈરાનના ટોચના અધિકારી અલી લારીજાની અને બાસિજ ફોર્સના કમાન્ડર ગુમામરેજા સુલેમાનીના મોત થયા હતા.