સંજય છેલ
આજકાલ રસ્તા પર ટ્રકો એટલી બધી છે કે કારટેક્સીઓને જગ્યા જ નથી મળતી. ખરેખર તો ટેક્સીઓ એટલી બધી છે કે કારવાળાઓ પરેશાન છે. આ બધાને કારણે ઑટો રિક્ષા જેવાં ત્રણ પૈડાવાળાં વાહનો, જે ગમે તે ભોગે ઝડપથી ભાગવા જ માગે છે તે પણ આગળ જઈ નથી શકતાં. જો રસ્તાઓને ગટર સમજીને આકાશમાં ઊંચાઈ પર રાખેલા કેમેરાથી જોવામાં આવે તો બધો જ ટ્રાફિક કચરાના ઢગલા જેવો ધીમે ધીમે સડક પર વહેતો હોય એવું જ દેખાશે. આ કચરા જેવો ટ્રાફિક દરેક જગ્યાએ, દરેક સિગ્નલ પર, દરેક ચોક પર ઘણીબધી વાર ઊભો રહે અને પછી ઝડપથી થોડીવાર આગળ ભાગવા માંડે.
ટ્રક, ટેક્સી, કાર અને થ્રી વ્હિલર અને ટુ વ્હિલરવાળાઓ..આહા હા..આટઆટલા ટ્રાફિકની વચ્ચે જે લોકો પોતાની મોટર સાઇકલ, સ્કૂટર અથવા સ્કૂટી, સાપોલિયાની જેમ સરસરાટ કાઢીને લઈ જાય છે એ લોકો તો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવાના અધિકારી છે. જેમ એક હૉકીનો ખેલાડી, બીજા ખેલાડીઓને ચકમો આપી, આમ તેમ છટકીને છટકી સરકીને આગળ વધે, એવી જ રીતે આ ટૂ વ્હિલરવાળા સ્માર્ટલી વાંકાચૂકા નાગિનની ચાલની જેમ આગળ વધે રાખે છે. ઘણીવાર તે એકલા નથી હોતા. એમની પત્ની કે પ્રેમિકા, પ્રેમથી ચાલકની કમર પર હાથ વીંટાળી, પીઠ પર માથું ટેકવી એકદમ વળગી ચોંટીને બેઠી હોય છે.
ટૂ વ્હિલરલવાળાઓ કદાચ આ જ સ્પર્શના આનંદ માટે જ પોતાની પ્રેમિકા કે પત્નીને સ્કૂટરની પાછળ બેસાડીને લઈ જતા હશે. જુવાનિયાઓ માટે તો આ આખા પ્રવાસનો લક્ષ આ સ્પર્શ જ હોય છે. જે રીતે વાર્તા લેખનમાં ક્યારેક ક્યારેક વાર્તાની શૈલી જ લક્ષ્ય બની જતી હોય છે ને વાર્તા બાજુમાં રહી જાય છે, એવું જ આ સ્કૂટીસવાર કપલ્સનું હોય છે. આમ આ રીતે સ્કૂટરવાળાઓ પેટ્રોલ ખર્ચ કરીને પ્રેમસ્પર્શ પામી શકે છે. ભલેને કોેઈક તો કંઈક તો મજા પામે, આ ટ્રાફિકમાં!
ચલો છોડો, પ્રેમરસને નાખો ધૂળમાં! ખરી મુશ્કેલી તો પોતાના વાહનને ઘણાં બધાં વાહનોના જંગલની વચ્ચેથી બહાર કાઢવાની છે. આ તો હજીયે સ્કૂટર કે મોટર સાઈકલની વાત છે. આ બધા વચ્ચે જરા સાઈકલવાળાઓની મુશ્કેલીઓની કલ્પના કરી જુઓ! એની હાલત તો કદાવરની વચ્ચે કીડી જેવી હોય છે. સાઇકલ તો જાણે ટ્રાફિકમાં ખાંચાઓ શોધીને સોયની જેમ પસાર થઈ જાય છે. નરી આંખે ના દેખાય કે દેખાય તો નવાઈ પમાડે એવી રીતે સરકીને જાય અને બીજી બાજુ રસ્તાઓ પર ખૂબ ખરાબ ટ્રાફિક જામ થયે જ રાખે છે.
એક રીતે આપણો ભારત દેશ ખરેખર જોવા લાયક દેશ છે. ના... ના ટૂરિઝમની દૃષ્ટિએ નહીં, પણ એક એવો દેશ કે જે બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે. હા, ખાલી આ ટ્રફિકને કારણે રસ્તો આગળ વધતો નથી. એ અલગ વાત છે. તમને જાણીને સુખદ આશ્રર્ય થશે કે આપણા દેશની પ્રગતિ કરવાના ચક્કરમાં, આ વર્ષે ટુ વ્હિલરનું ઉત્પાદન ખૂબ વધ્યું છે. મતલબ ચાર પૈડાવાળી ગાડીનું તો મારૂતિ કે બીજી સસ્તી દેશી ગાડીઓની કૃપાથી ઉત્પાદન વધી જ રહ્યું છે, પણ બે પૈડાવાળાં વાહનોનું ઉત્પાદન તો બાળવાર્તાની કોઈ રાજકુમારીની જેમ ‘દિવસે ના વધે એટલું રાતે’ વધી રહ્યું છે.
મને એ જ સમજાતું નથી આવતું કે સ્કૂટર વગેરેને હાંકવાવાળાને પ્રમિકાઓ ગમે એટલો કોમળ સ્પર્શ પાછલી સીટથી કરે અને આગળ વધવાની પ્રેમાળ પ્રેરણા આપે પણ પેલો નીકળશે ક્યાંથી? જગ્યા જ ક્યાં છે? ટ્રક, ટેક્સી, કાર, સ્ટેશન વેગન, અને વિદેશી કારના હરતા ફરતા મ્યુઝિયમમાંથી, જેનું આયોજન સવારથી રાત સુધી ભારતીય રસ્તાઓ પર ચાલુ છે. કોઇ નીકળશે કેવી રીતે? મોટી કંપનીમાં નોકરી હશે તો એ એને વાહન આપીને છૂટી જશે.
પેલો ખૂબ જોર લગાડીને વાહન ચાલુ પણ કરી લેશે, પત્ની કે પ્રેમિકા એમનું કોમળ યોગદાન આપવા પાછલી સીટ પર ચઢી જશે, પણ પછી શું થશે? પેલો પ્રેમી પ્રવાસી જશે ક્યાં સુધી? ચારેબાજુ સાંકળો, ડિવાઇડરો અને ડામરકાંકરાવાળો રસ્તો છે, જેમાં થોડી પણ જગ્યા બચી નથી, બચી છે એમાં બધાએ પોતાની કાર ફસાવી દીધી છે. અને હા, બીજા એક સમાચાર તમે નથી સાંભળ્યા? લો સંભળાવું! રોડરોલરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. કારણ કે આટલાં બધાં વાહનોની ભીડ વચ્ચે રોડ રોલર ઊભું ક્યાં રહેશે અને ઊભા ઊભા કરશે પણ શું?
બિચારો પાતળો નાજુક લાચાર આમને આમ દેશના વજનથી વરસોથી દાયકાઓથી દબાતો જ રહ્યો છે.