Mon Aug 17 2026

Logo

ભાણેજને વેચ્યાની પોલ ખુદ મામાએ ખોલી: સગી બહેન અને બનેવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

2026-08-10 14:06:00
Author: Yogesh D. Patel
Article Image

વરસાદમાં પગ લપસવાથી હાથમાંથી બાળક છટકીને નીચે પટકાતાં ઇજા પામ્યો અને બાદમાં તેનું મૃત્યુ થયું હોવાનું જુઠ્ઠાણું માતાએ ચલાવ્યું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ધારાવી વિસ્તારમાં રહેતા દંપતીએ તેમના દોઢ વર્ષના દીકરાને 1.05 લાખ રૂપિયામાં એક મહિલાને વેચી દીધો હોવાની ઘટના સામે આવી હતી. વરસાદમાં પગ લપસવાથી હાથમાંથી બાળક છટકીને નીચે પટકાતાં ઇજા પામ્યો અને બાદમાં તેનું મૃત્યુ થયું હોવાનું જુઠ્ઠાણું માતાએ ચલાવ્યું હતું. જોકે બાળકના મામાએ હોસ્પિટલમાં જઇને તપાસ કરી હતી અને બાદમાં શંકાને આધારે તેની બહેનની કરેલી પૂછપરછમાં ભાણેજને વેચ્યાની તેણે કબૂલાત કરી હતી.

ગોરેગામમાં રહેતા અને સુરક્ષારક્ષક તરીકે કામ કરતા સની શિવબહાદુર સિંહે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ધારાવી પોલીસે તેની બહેન રોલી સંદીપ સિંહ, તેનો પતિ સંદીપ જનરાજ સિંહ અને રાણી નામની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

રોલી સિંહે 6 ઑગસ્ટે તેની માતાને કૉલ કરીને જણાવ્યું હતું કે વરસાદને કારણે સવારે પગ લપસી જતાં હાથમાંથી છટકીને તેનો દોઢ વર્ષનો પુત્ર અનંતસિંહ નીચે પટકાતાં તેના માથામાં ગંભીર ઇજા થઇ છે અને તેને સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આની જાણ બાદમાં રોલી સિંહના ભાઇ સની સિંહને કરાતાં તે સાંજના ભાણેજને જોવા માટે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેણે ત્યાં તપાસ કર્યા બાદ બહેન અને બનેવી સંદીપ સિંહને કૉલ કર્યા હતા. જોકે બહેનનો મોબાઇલ બંધ હતો, જ્યારે બનેવી કૉલ રિસિવ નહોતો કરી રહ્યો. તેણે હોસ્પિટલમાં બહેન-બનેવીની શોધ ચલાવી હતી, પણ તેઓ ક્યાંય નજરે પડ્યાં નહોતાં. સંદીપ સિંહે બાદમાં કૉલ રિસિવ કર્યો હતો અને સનીને ઘરે આવવા માટે કહ્યું હતું.

સની ધારાવી પહોંચ્યો હતો અને બનેવી પર ગુસ્સે ભરાયો હતો. ત્યાર બાદ તે ગોરેગામ જતો રહ્યો હતો. બીજે દિવસે સવારે તે પાછો બહેનના ઘરે ગયો હતો અને ભાણેજ વિશે પૂછતાં રોલી સિંહે કહ્યું હતું કે માથામાં ઇજા થવાને કારણે અનંતસિંહનું મૃત્યુ થયું હતું અને તેને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે. આ સાંભળીને સની તેની બહેન અને બનેવી પર રોષે ભરાયો હતો અને કહ્યું હતું કે પુત્ર મૃત્યુ પામ્યો છે અને તમે બંને જણ ઘરે બેઠા છો. સનીને બંને પર શંકા જતાં તે ત્યાંથી નીકળી ગયો હતો અને બીજે દિવસે પાછો ધારાવી આવ્યો હતો.

તેણે ભાણેજ અનંતસિંહ વિશે પૂછપરછ કરતાં બહેને કબૂલાત કરી હતી કે તેમણે અનંતસિંહને 2 ઑગસ્ટે રાણી નામની મહિલાને 1.05 લાખ રૂપિયામાં વેચી દીધો હતો. આ જાણી સનીને આંચકો લાગ્યો હતો અને તેણે બહેન-બનેવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.