રસ્તે ચાલતી વિદ્યાર્થિનીનો આરોપીએ બાઈક પર પીછો કર્યો હતો: 250 કૅમેરાનાં ફૂટેજ પરથી આરોપીને ઓળખી કઢાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં બનેલી આઘાતજનક ઘટનામાં રસ્તે ચાલતી જઈ રહેલી કૉલેજ સ્ટુડન્ટને ઝાડીઝાંખરાંમાં ખેંચીને કથિત દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પોલીસે 250 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે બાઈકસવાર યુવાનને ઓળખી કાઢ્યો હતો. અઠવાડિયા પછી એ જ સ્થળે આંટો મારી રહેલા આરોપીને પોલીસે પીછો કરી થાણેમાં પકડી પાડ્યો હતો.
મુલુંડ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અનિલ રામચરણ કરોટિયા (31) તરીકે થઈ હતી. થાણેમાં વાગળે એસ્ટેટ વિસ્તારના સી. પી. તળાવ પરિસરમાં રહેતા કરોટિયાને કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 6 ઑગસ્ટની વહેલી સવારે મુલુંડમાં બની હતી. વિદ્યાર્થિની કૉલેજ જવા ઘરેથી નીકળી હતી. ચાલતી જઈ રહેલી વિદ્યાર્થિનીનો આરોપીએ બાઈક પર પીછો કર્યો હતો. પછી સૂમસામ રસ્તા પર બાઈક રોકી આરોપી વિદ્યાર્થિનીને જબરદસ્તી ઝાડીઝાંખરાંમાં ખેંચીને લઈ ગયો હતો, જ્યાં તેણે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
આરોપીની ચુંગાલમાંથી છૂટવા માટે વિદ્યાર્થિનીએ ઘણાં તરફડિયાં માર્યાં હતાં. આ ઝપાઝપીમાં વિદ્યાર્થિનીને ઇજા પણ થઈ હતી. તેની ફરિયાદને આધારે મુલુંડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીને શોધી કાઢવા માટે અધિકારીઓની છ ટીમ બનાવવામાં આવી હતી.
ઘટનાસ્થળ અને આસપાસના પરિસરમાં લાગેલા 250 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે શકમંદને ઓળખી કાઢ્યો હતો. બાઈક પર ફરતો શકમંદ 14 ઑગસ્ટે ફરી ઘટનાસ્થળ નજીક આંટા મારતો દેખાયો હતો. બાઈકના નંબરને આધારે પોલીસે પીછો કરી તેને પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
પોલીસે અપીલ કરી હતી કે ફૂટેજ અનુસાર આરોપી ઘટનાસ્થળ પાસેના પરિસરમાં વહેલી સવારે વારંવાર આંટા મારતો નજરે પડ્યો હતો. તેણે અન્ય કોઈ યુવતી સાથે પણ આવું હીન કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે કોઈ યુવતી-વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય થયું હોય તો તેણે પોલીસનો સંપર્ક સાધવો. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, એવું પોલીસે જણાવ્યું હતું.