Sun Jun 21 2026

Logo

હાજીપીર હાઈવે પરથી ટ્રકચાલકનું અપહરણ: પોલીસે 9 અપહરણકારોને દબોચ્યા, યુવાન મુક્ત

2026-06-21 14:10:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છના સરહદી હાજીપીર વિસ્તારમાંથી આડા સંબંધની શંકાના આધારે એક ટ્રકચાલક યુવાનનું કારમાં સરેઆમ અપહરણ કરાયાની ચકચારી ઘટના સામે આવી છે. જો કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વાયોર નજીક નાકાબંધી કરીને તમામ 9 અપહરણકારોને ઝડપી પાડી અપહૃત યુવાનને સહીસલામત મુક્ત કરાવી લીધો હતો.

હાજીપીર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી સારીયન હારૂન ચુડાસમા ગઈકાલે સાંજે હાજીપીર ખાતે આવેલી આર્ચિયન કંપનીમાં પોતાની ટ્રક લોડિંગ કરાવવા માટે તેના મામાના દીકરા સુલતાન સાથે ગયો હતો. સાંજના અરસામાં બંને ભાઈઓ ચાર રસ્તા પાસે આવેલી એક ચા-નાસ્તાની હોટેલ નજીક ઊભા હતા, ત્યારે અચાનક એક ઇકો કાર ત્યાં આવીને ઊભી રહી હતી. 

કારમાંથી ઉતરેલા શખ્સોએ સારીયન સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને "તું અમારા પરિવારની દીકરીને શા માટે ફસાવે છે? તારે તેની સાથે આડા સંબંધો છે" તેમ કહી વહેમ રાખીને માર માર્યો હતો. ત્યારબાદ આ શખ્સો સારીયનને બળજબરીપૂર્વક પોતાની ‘જીજે-12 -ડીએસ-8375' નંબરની ઇકો કારમાં પરાણે બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. આ ફિલ્મી અપહરણ નજરે જોનારા સારીયનના ભાઈ સુલતાને સહેજ પણ સમય ગુમાવ્યા વિના તુરંત જ સરકારની કટોકટી સેવા ‘112 જનરક્ષક’ પર ફોન કરીને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. કંટ્રોલ રૂમ દ્વારા હાજીપીર પોલીસને સંદેશો અપાતા જ પીએસઆઈ એચ.સી. પરમાર સહિતના પોલીસ કર્મીઓએ ઇકો કારના માલિકનો નંબર મેળવીને મોબાઈલ લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. સર્વેલન્સમાં કારનું લોકેશન વાયોર તરફ જતું હોવાનું જણાતાં જ, વાયોર પોલીસ મથકના પીએસઆઈ ગોહિલને સતર્ક કરવામાં આવ્યા હતા.

સંદેશો મળતાં જ વાયોર પોલીસે હાઈવે પર નાકાબંધી ગોઠવી દીધી હતી અને સામેથી આવતી બાતમી મુજબની ઇકો કારને આંતરી લીધી હતી. પોલીસે કારમાંથી અપહૃત સારીયનને મુક્ત કરાવ્યો હતો અને કારમાં સવાર તમામ 9 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

પકડાયેલા આરોપીઓમાં આમદ અલીમામદ મંધરા, સિધિક ઓસમાણ મંધરા, અબ્દુલરજાક જાફર લુહાર, સાહિલ આમદ મંધરા, ઈશાક ઉમર મંધરા, ઉમર અદ્રેમાન મંધરા, મામદ હુસેન સિધિક મંધરા (તમામ રહે. ધુફી), રમજાન આમદ મંધરા, કાસમ આમદ મંધરા (બંને રહે. બિટ્ટા)નો સમાવેશ થાય છે.

વાયોર પોલીસે તમામ આરોપીઓનો કબજો હાજીપીર પોલીસને સોંપ્યો હતો. હાજીપીર પોલીસે ફરિયાદીની સત્તાવાર ફરિયાદના આધારે અપહરણ અને રાયોટિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય