અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ વરસાદ તૂટી પડ્યો છે. માત્ર માંગરોળ જ નહીં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. સોમનાથથી દ્વારકા જતો માંગરોળ હાઇ-વે ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેના કારણે હાલ વાહન વ્યવહાર બંધ છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગત રોજ પડેલા 22 ઇંચથી વધુ ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ભારે વરસાદના કારણે હુસેનાબાદ નજીક નેશનલ હાઈવેનો આશરે 40 ફૂટ જેટલો ભાગ ધોવાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે માર્ગ વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ભારે વરસાદના કારણે સમઢીયાળા ગામ નજીક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીના જોરદાર પ્રવાહમાં એક ફોરવ્હીલર અને એક રિક્ષા ફસાઈ જતા તેમાં સવાર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ફાયર ફાઇટર્સે ઝડપી અને સુનિયોજિત કામગીરી હાથ ધરી ગણતરીના સમયમાં કુલ 19 મુસાફરોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમયસર કરાયેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે માંગરોળ તાલુકાના જૂના કોટડા, નવા કોટડા, ભાટગામ, ખોડાદા, લંબોરા, વીરપુર, ચોટલીવીડી, શકરાણા, શેખપુર, ખોડાદાનો સંપર્ક તૂટ્યો છે. માણાવદર તાલુકાના ભીંડોળા, ઈન્દ્રા, મટીયાણા તથા કેશોદ તાલુકાના મોટી ઘણરી, ચાંદીગઢ, રંગપુર, એકલેરા, સિલોદર, બાવા સિમરોલી, ગેલાણા, પાણખાણ, અખોદર, મઘરવાડા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં 16 રસ્તા પણ બંધ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં અત્યાર સધીમાં મોસમનો કુલ 13.27 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મોસમના કુલ સરેરાશ વરસાદના 17.11 ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.