ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક એવા ગાંધીધામમાં બપોરના સમયે કન્ટેનર ટ્રાન્સપોર્ટના એક વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરી, મકાનમાં બંધક બનાવી ગળે છરી રાખી રુ.20 લાખ બળજબરીપૂર્વક પડાવી લેવાની ઘટના બની છે.
વરસામેડીમાં રહેતા અને ગાંધીધામના આસોપાલવ આર્કેડમાં ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટર દિલીપ ગોકળદાસ મજેઠિયા (ઠક્કર) સવારે પોતાની ઓફિસે પહોંચ્યા ત્યારે પાર્કિંગમાં પૂર્વ પરિચિત જાવેદ નામનો શખ્સ સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે ઊભો હતો. નાણાંની ઉઘરાણીના બહાને જાવેદે વેપારીને કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ ટાગોર રોડ પરથી અન્ય બે શખ્સો કારમાં સવાર થયા હતા અને વેપારીને શક્તિનગરના એક મકાનમાં લઈ ગયા હતા.
મકાનમાં લઈ ગયા બાદ ત્રણેય શખ્સોએ વેપારીને બાંધી દઈ ઢોર માર માર્યો હતો. જાવેદે વેપારીના ગળા પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી રુ.20 લાખની માંગણી કરી હતી. ડરી ગયેલા વેપારીએ આંગડિયા પેઢી મારફતે આરોપીએ આપેલા સોહિલ નામના શખ્સના નંબરમાં 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. નાણાં મળ્યા બાદ આરોપીઓ વેપારીને ઓસ્લો સર્કલ પાસે ઉતારી, પોલીસ કે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉત્સવ વૈદ્ય