(અમારી પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જિલ્લાના નરોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા રાત્રિના સમયે ઝેરી ગેસ છોડવામાં આવતો હોવાની ફરિયાદો અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આ અંગે કુલ ૦૭ ફરિયાદો સરકારને મળી હતી. વર્ષ ૨૦૨૪માં ૧ અને વર્ષ ૨૦૨૫માં ૬ ફરિયાદો નોંધાઈ હતી.
સરકારે જવાબમાં જણાવ્યું હતું કે પશુપતિ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ હવા પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ ૧૯૮૧ હેઠળ કડક પગલાં લેવાયા હતા અને એકમને બંધ કરવાનો હુકમ પાઠવવામાં આવ્યો હતો. તેમજ રૂ. ૨,૦૦,૦૦૦નું પર્યાવરણીય વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, કંપની પાસેથી રૂ. ૨,૦૦,૦૦૦ની બેન્ક ગેરંટી પણ લેવામાં આવી હતી. અન્ય એકમો જેમ કે રાજીવ ઉદ્યોગ અને મે. એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડને પણ હવા પ્રદૂષણ નિયમોના ઉલ્લંઘન બદલ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
સરકાર દ્વારા કુલ ૭ એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાં દીશમાન કારબોજેન અમીક્સ લિ.ને મળેલી ત્રુટીઓ અન્વયે લેખિત સૂચનાઓ પાઠવી સુધારા કરવા જણાવાયું હતું. જોકે, કેટલીક કંપનીઓ જેવી કે મે. એમ. એસ. કેમિકલ અને કે. એસ. કેમિકલની ચકાસણી દરમિયાન હવાનું પ્રદૂષણ જોવા મળ્યું ન હતું.