Wed Jun 17 2026

Logo

થ્રાઈવઃ શહેરની બહાર જતા ઉદ્યોગોને ડબલ એફએસઆઈ મળે તેવી શક્યતા

2026-06-17 15:20:24
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સોમવારે જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિમાં ગુજરાત સરકારે ટ્રાન્ઝિશન ફોર હાર્મનાઈઝ્ડ રિલોકેશન એન્ડ ઈન્ક્લુઝિવ વાઈબ્રન્ટ ઈકોનોમિ (થ્રાઈવ) નામના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં ઉદ્યોગકારો સામેલ થાય તે માટે તેમને ડબલ એફએસઆઈ આપવા અંગેનો પ્રસ્તાવ મૂકવા અંગે રાજ્ય સરકાર વિચારી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ સાથે એફએસઆઈ ચાર્જ પણ માફ કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ખાણ-ખનિજ, શહેરી વિકાસ વિભાગ, નાણા વિભાગે સાથે મળી વિચાર-વિમર્શ કર્યો હતો કે અને કેટલી એફએસઆઈ આપવી તે અંગે નિર્ણય લેવામાં આવશે, પરંતુ સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે કે ઓછામાં ઓછી ડબલ એફએસઆઈ આપવામાં આવે. 

હાલમાં, બહાર સ્થળાંતર કરનારા ઉદ્યોગોને 1.2 ની એફએસઆઈ આપવામાં આવે છે. 

બીજી બાજુ ઉદ્યોગજગત સાથે જોડાયેલા લોકોનું કહેવાનું છે કે ફકત ઈન્સેન્ટિવ નહીં, પરંતુ જે સાઈટ્સ પર રિલોકેટ કરવાના વિકલ્પો જણાઈ ત્યાં માળખાકીય સુવિધાઓ કેવી છે, તેના પર આ થ્રાઈવ પ્રોજેક્ટની સફળતાનો આધાર છે. જેમકે અમદાવાદથી દૂર સાયખા વિસ્તાર છે, પરંતુ અહીં માળખાગત સુવિધાઓના અભાવે ઉદ્યોગો જવાનું પસંદ કરતા નથી. 

ઉદ્યોગજગતના લોકોના કહેવા અનુસાર અમદાવાદના નરોડા, વટવા, ઓઢવ અને કઠવાડા જીઆઈડીસીમાં લગભગ 5,000 ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે શહેરની અંદર જ છે અને શહેરમાં કેટલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિસ્તરેલી છે તે દર્શાવે છે. 

મોટાભાગના નાના-મોટા ઉદ્યોગકારોએ એક જ વાત કહી હતી કે સરકાર જો ઉદ્યોગોને શહેરની બહાર ખસેડવા માગતી હોય તો તેમણે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવી પડશે અને સમયમર્યાદામાં મંજૂરીઓ આપવી પડશે. શહેરીકરણને લીધે ઉદ્ભવતી સમસ્યાઓ ઓછી થાય અને ઉદ્યોગો અને જાહેર જનતા બન્નેને થોડી મોકળાશ મળે તેવા આશયથી આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી.