Fri Jul 24 2026

Logo

કેરીમાં આવ્યો છે આ રોગ, ઉત્પાદન ઘટતાં કેસર-હાફુસનો ભાવ આંબશે આસમાને

2026-04-15 09:31:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદ લેવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. દિવાળી પર થયેલા માવઠાથી ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું હતું. કમોસમી વરસાદ અને એપ્રિલમાં સામાન્ય કરતા ઓછી ગરમીને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનને માઠી અસર થઈ છે, જેનાથી ભાવમાં 10-15 ટકા વધારાની શક્યતા સેવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસર કેરીની સત્તાવાર હરાજી 19 એપ્રિલથી શરૂ થશે.  તાજેતરના કમોસમી વરસાદ અને મધિયો નામના રોગના ફેલાવાને કારણે ઉત્પાદન ઘટવાની ધારણા છે.  કેરીમાં આવતા આ રોગનો કોઈ અસરકારક ઈલાજ નથી. ચેપગ્રસ્ત પાકની માવજત પાછળ થતો વધારાનો ખર્ચ પણ ભાવમાં વધારો કરી શકે છે. ઉત્પાદન ઓછું હોવા છતાં, મલ્ટિપલ ક્રોપ સાયકલને કારણે કેરીની સીઝન સામાન્ય 45 દિવસના બદલે બે મહિનાથી વધુ લાંબી ખેંચાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાનું તાલાલા યાર્ડ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં પાકતી કેસર કેરીના  સૌથી મોટા ટ્રેડિંગ હબ છે.  અહીં કેરીની આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ ઠંડા વાતાવરણને કારણે ફ્લાવરિંગમાં વિલંબ થયો છે અને ગ્રાહકોની માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને કેરીની ખરીદી અને સંગ્રહ કરી રહ્યા છે.

તાજેતરની હરાજીમાં 12969 કિલો કેસર કેરી સરેરાશ ₹2200 પ્રતિ 10 કિલોના ભાવે વેચાઈ હતી, જેમાં ઊંચા ભાવ ₹3400 સુધી રહ્યા હતા. હાફુસ કેરી સરેરાશ ₹4500 અને મહત્તમ ₹7000 પ્રતિ બોક્સ નોંધાઈ હતી. આ ભાવ ગત વર્ષ કરતા સહેજ વધારે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, માર્ચના અંતમાં થયેલા ભારે વરસાદથી ખાસ કરીને જૂનાગઢ, ધારી અને અમરેલીમાં પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે આ સિઝનમાં પુરવઠો ઘટ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં મોર આવવાનો સમય આશાસ્પદ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ફેરફાર અને રોગચાળાની અસરને કારણે આ વર્ષે સરેરાશ પાક મળ્યો છે. ન્યુઆરી બાદ જે ફૂલ આવ્યા તે ફળમાં પરિણમ્યા છે અને મે મહિનામાં સપ્લાય પૂરજોશમાં રહેશે. મે મહિનાના મધ્યથી જૂનની શરૂઆત સુધી ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પાક ઓછો હોવા છતાં સમગ્ર સીઝન સારી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.