ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છની ધીંગી ધરા પરથી વિશ્વને વનસ્પતિ સૃષ્ટિની એક અનોખી અને ઐતિહાસિક ભેટ મળી છે. જિલ્લાના અફાટ રણ વિસ્તારમાં જોવા મળતી અત્યંત દુર્લભ વનસ્પતિને દાયકાભરના સઘન વૈજ્ઞાનિક અભ્યાસ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઉપજાતિ તરીકે સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ છે. વિશ્વપ્રસિદ્ધ બોટનિકલ જર્નલ 'ફિટોક્સા' (Phytotaxa) માં પ્રકાશિત થયેલા સંશોધન પત્ર અનુસાર, આ નવી ઉપજાતિને કચ્છ જિલ્લાના ગૌરવવંતા નામ પરથી 'હેલિએન્થમમ સીટ્રીનમ સબસ્પિસીઝ કચ્છીકમ' (Helianthemum citrinum subsp.kacchicum) નામ આપવામાં આવ્યું છે. ગુજરાતની જૈવવિવિધતાને વૈશ્વિક ફલક પર ચમકાવતા આ ઐતિહાસિક સંશોધનનું નેતૃત્વ ગાંધીનગરની સરકારી વિજ્ઞાન કોલેજના વનસ્પતિશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક ડો.રોહિતકુમાર એમ.પટેલે કર્યું છે.
10 વર્ષની મહેનત બાદ મળી સફળતા
આ વૈશ્વિક સ્વીકૃતિ પાછળ ભારત અને સ્પેનના વૈજ્ઞાનિકોની ૧૦ વર્ષની ભગીરથ મહેનત રહેલી છે. વર્ષ ૨૦૧૬માં ડો. રોહિત પટેલે પ્રથમ વખત કચ્છના રણમાંથી 'સિસ્ટેસી' (Cistaceae) કુળની હાજરી નોંધી હતી, જે ભારતીય વનસ્પતિશાસ્ત્રના ઇતિહાસમાં એક નવો જ રેકોર્ડ હતો. ત્યારબાદ વનસ્પતિના બાહ્ય લક્ષણો, રંગસૂત્રો, ઉત્ક્રાંતિ અને ડીએનએ વિશ્લેષણ સહિતના એક દાયકા લાંબા વિસ્તૃત અને અત્યાધુનિક અભ્યાસના અંતે પુરવાર થયું હતું કે આ વનસ્પતિ અગાઉ જ્ઞાત તમામ પ્રજાતિઓ કરતાં તદ્દન ભિન્ન છે. ભારત અને સ્પેન વચ્ચેના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સમન્વય સમાન આ આંતરરાષ્ટ્રીય સંશોધનમાં ભારતના ડો. સુજિતકુમાર પ્રજાપતિ અને ડો. કુમાર વિનોદ ગોસાવી ઉપરાંત સ્પેનની પ્રતિષ્ઠિત 'યુનિવર્સિટી ઓફ સેવિલ' અને 'યુનિવર્સિટી કોમ્પ્લુટેન્સે મેડ્રિડ'ના ખ્યાતનામ વૈજ્ઞાનિકો પણ સહલેખક તરીકે જોડાયા હતા.
આ સંશોધનનું સૌથી રોમાંચક તારણ એ છે કે આ વનસ્પતિના પૂર્વજો આશરે ૧.૨ લાખ વર્ષ અગાઉ દક્ષિણ અરબી દ્વીપકલ્પમાંથી કુદરતી રીતે પ્રસાર પામીને ભારતીય ભૂમિ પર પહોંચ્યા હતા. ડીએનએ આધારિત ઉત્ક્રાંતિના અભ્યાસે સાબિત કર્યું છે કે આ વનસ્પતિ લાંબા અંતરના કુદરતી પ્રસારનું એક અદભુત ઉદાહરણ છે, જે ભારત અને અરેબિયન ક્ષેત્ર વચ્ચેના પ્રાચીન જૈવિક સંબંધો પર નવો પ્રકાશ પાડે છે.
આ વનસ્પતિ હાલ અસ્તિત્વના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહી છે
જોકે, વૈશ્વિક સ્તરે નામના મેળવનારી આ વનસ્પતિ હાલ અસ્તિત્વના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહી છે. આ દુર્લભ વનસ્પતિ સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ત્રણ મર્યાદિત વિસ્તારો - લક્ષ્મીરાણી, ગોંધાતડ ડેમ વિસ્તાર અને નારાયણ સરોવર અભયારણ્યની આસપાસ જ જોવા મળે છે. ચિંતાજનક બાબત એ છે કે હાલમાં તેના માત્ર ૭૫ જેટલા જ છોડ બચ્યા છે. આ પંથકમાં થતા લાઈમસ્ટોન માઈનિંગ અને વસવાટના ભૌગોલિક વિસ્તારમાં થઈ રહેલા સતત ઘટાડાને કારણે આ નવી ઉપજાતિ લુપ્ત થવાના આરે છે. આથી, વૈશ્વિક ધોરણો મુજબ તેને રેડ ડેટા બુકની 'લુપ્તપ્રાય' (Critically Endangered) શ્રેણીમાં મૂકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલામણ કરવામાં આવી છે.
મૂળ મહેસાણાના વિજાપુરના વતની અને કચ્છની પ્રકૃતિ સાથે ૧૩ વર્ષથી વધુ સમયનો આત્મીય નાતો ધરાવતા ડો. રોહિત પટેલે આ અગાઉ જિલ્લામાંથી અલભ્ય ગણાતા 'મીઠા ગૂગળ'ની શોધ પણ કરી હતી. આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વનસ્પતિશાસ્ત્રી ડો. પટેલે જણાવ્યું હતું કે, આ શોધ સ્પષ્ટ કરે છે કે ભારતના શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશોમાં હજુ પણ એવી અનેક અજાણી વનસ્પતિઓ છુપાયેલી છે જે વિજ્ઞાન જગતથી અજાણ છે. આવી અમૂલ્ય વનસ્પતિઓનું સંરક્ષણ કરવું એ સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રકૃતિપ્રેમીઓ સહિત સમગ્ર સમાજની નૈતિક જવાબદારી બની રહે છે.
(ઉત્સવ વૈદ્ય)