અમદાવાદઃ શહેરના ઘુમામાં દીપડો દેખાયા મુદ્દે કોથળામાંથી બિલાડું નિકળ્યું હતું. વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આજે વાયરલ થયેલા વીડિયોમાં ગાડી નીચેથી બિલાડી જ બહાર નીકળી હતી, જેથી આ વીડિયો દીપડાનો નહીં પરંતુ બિલાડીનો છે.
વન વિભાગે કરી શું સ્પષ્ટતા
વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું, ગ્રીન સિટી સોસાયટી, ઘુમામાં આજે ગાડી નીચેથી દીપડો નીકળ્યાના વાયરલ વીડિયોના આધારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ કરતાં પગલા બિલાડીના હોવાનું જણાયું હતું. ઉપરાંત અન્ય ગાડી નીચેથી પણ બિલાડી જ બહાર નીકળી હતી, જેથી આ વીડિયો દીપડાનો નહીં પરંતુ બિલાડીનો જણાઈ આવે છે.
લોકોને આવી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવા તથા કોઈ પણ વન્યપ્રાણી બાબતની માહિતી, તરત જ 76000 09845 પર વન વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શહેરના ઘુમા-શેલા વિસ્તારમાં એક દીપડો ભટકતો જોવા મળ્યાના એક દિવસ પછી, સોમવારે મોડી રાત્રે ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાંથી બીજો એક દીપડો જોવા મળ્યો હતો. બન્ને સ્થળો એકબીજાથી 25 કિલોમીટર જેટલા દૂર છે વનવિભાગે શેલા-બોપલ-ઘુમા વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પકડવાના તમામ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઝુંડાલથી ચાંદખેડા તરફ જતી વખતે માધવ હોમ્સ નજીક રાત્રે 2 વાગ્યાની આસપાસ દીપડો જોવા મળ્યો હતો. રસ્તાની બાજુમાં આવેલા કાફે પાસે હાજર લોકોએ દાવો કર્યો હતો કે તેમણે ફોટો પાડ્યો હતો અને તે તસવીર વન વિભાગ સાથે શેર કરી હતી.
અગાઉ, 19 જુલાઈના રોજ સવારે 2 વાગ્યે શેલામાં શરણદીપ મેન્શન સોસાયટીમાં એક દીપડો જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દીપડો દિવાલ કૂદીને બંગલામાં ઘૂસી ગયો હતો અને પછી રખડતા શ્વાનોએ તેને ભગાડ્યો હતો, જેના કારણે શેલા, ઘુમા અને બોપલના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.
20 જુલાઈના રોજ, વન વિભાગે શેલા-ઘુમા અને તેની આસપાસ દિવસભર શોધખોળ અભિયાન ચલાવ્યું હતું પરંતુ દીપડો મળ્યો ન હતો. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે નર દીપડા એક જ રાતમાં 5 કિમીથી 50 કિમી સુધીનું અંતર કાપવામાં સક્ષમ છે અને માને છે કે દીપડો પહેલાથી જ આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયું હશે. સાવચેતી તરીકે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને જાહેર સલામતી માટે આગામી અઠવાડિયા સુધી સર્વેલન્સ કેમેરા, પાંજરા અને ફિલ્ડ ટીમ તહેનાત રહેશે.