Tue Aug 18 2026

Logo

પત્નીની હત્યા કરી પતિનું પોલીસ સમક્ષ સમર્પણ

2026-07-17 17:12:32
Author: Yogesh C. Patel
Article Image

થાણે: પત્ની વફાદાર ન હોવાની શંકા પરથી પતિએ ગળું દબાવી તેની કથિત હત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી. પત્નીને પતાવી નાખ્યા પછી પતિ પોલીસને શરણે ગયો હતો અને ગુનો કબૂલી લીધો હતો.
વર્તક નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની બપોરે સાવરકર નગર વિસ્તારમાં બની હતી. આરોપીની ઓળખ નીતિન તુપે (37) તરીકે થઈ હતી. નીતિન પત્ની પૂજા (30) અને બે સંતાન સાથે રહેતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીને દૃઢ શંકા હતી કે પત્ની તેની સાથે વફાદાર નથી. ચારિત્ર્ય પર શંકાને પગલે તેણે પત્ની સાથે ઝઘડો પણ કર્યો હતો. ગુરુવારે સંતાનો શાળાએ ગયા હતા ત્યારે દંપતી ઘરમાં એકલું હતું.
આરોપીએ ઓઢણીની મદદથી ગળું દબાવી પત્નીની હત્યા કરી હતી. પછી આ અંગે તેણે એક પરિચિતને જાણ કરી હતી અને સીધો પોલીસ સ્ટેશને ગયો હતો. આત્મસમર્પણ કરી પોતે આચરેલા ગુનાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે.
પોલીસે આરોપી નીતિનની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. દંપતીનાં સંતાનોને દેખભાળ માટે સગાને સોંપાયાં હતાં. (પીટીઆઈ)