થાણે: તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં ફરાર રીઢા આરોપીને થાણેની એન્ટિ-એક્સ્ટોર્શન સેલે રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો.
ધરપકડ કરાયેલો આરોપી ઓમકાર સતીશ ભોસલે (27) થાણેમાં ઘોડબંદર રોડ નજીકનો રહેવાસી છે. રાજસ્થાનના સિકર જિલ્લામાં સ્થાનિક પોલીસ સાથે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી 27 ઑગસ્ટે ભોસલેને તાબામાં લેવાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ માનપાડાની એક્મે ઓઝોન સોસાયટી નજીક 22 ઑગસ્ટના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ કથિત ઘટના બની હતી. આ પ્રકરણે ચિતળસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
બ્રહ્માંડ પરિસરમાં રહેતો એમ્બ્યુલન્સ ડ્રાઈવર નિતેશ નરેશ શિંદે (27) તેના ભાઈના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી ઈકો વૅને તેના વાહનને જોરદાર ટક્કર મારી હતી. પછી વૅનમાંથી નીચે ઊતરેલા શખસે શિંદેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. બાદમાં ભોસલે વતી તેને ધમકાવ્યો પણ હતો.
બાઈક પર આવેલા આરોપીના સાથીઓએ શિંદેના વાહનના કાચની તોડફોડ કરી શસ્ત્રો હવામાં ફેરવીને ધમકી ઉચ્ચારી હતી, જેને પગલે સ્થાનિક પરિસરમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું.
ફરિયાદમાં શિંદેએ ઓમકાર ભોસલે, ચંદન ગુપ્તા, અભી પાટીલ, પરવેઝ ચૌધરી, ધ્રુવ ચવાણ, રોહિત ખરે ઉર્ફે ગમબુટ અને કુણાલ વાલવેકરનાં નામ જણાવ્યાં હતાં. પરિણામે પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસની સમાંતર તપાસ એન્ટિ-એક્સ્ટોર્શન સેલે હાથ ધરી હતી.
(પીટીઆઈ)