મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક સાધી યુવતીઓ સાથે લગ્ન કરી રૂપિયા પડાવતો: પબ-હોટેલમાં મોજશોખ માટે 90 લાખની છેતરપિંડી: અશ્લીલ વીડિયોથી યુવતીઓને બ્લૅકમેઈલ પણ કરતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગ્ને લગ્ને કુંવારા એવા તેલંગણાના ઠગને થાણે પોલીસે નવી દિલ્હી ઍરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક સાધીને પ્રેમજાળમાં ફસાવી યુવતીઓ સાથે લગ્ન કર્યા પછી આરોપી રૂપિયા પડાવતો. દેશ-વિદેશનાં પબ-હોટેલમાં મોજશોખ માટે 90 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીએ નાણાં પાછાં માગનારી યુવતીને બ્લૅકમેઈલ પણ કરી હોવાનું કહેવાય છે.
કાસારવડવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુરેશ રવીન્દ્ર (37) તરીકે થઈ હતી. પોલીસે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યું હતું. રશિયાથી પાછા ફરેલા આરોપીને નવી દિલ્હી ઍરપોર્ટ પરથી તાબામાં લેવાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ તેલંગણામાં રહેતો આરોપી મેટ્રિમોનિયલ સાઈટ પરથી યુવતીઓનો સંપર્ક સાધતો હતો. વિવિધ પ્રલોભનો અને વાતોમાં ફસાવી આરોપી પ્રેમનું નાટક કરતો. પછી યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી તેની પાસેથી નાણાં પડાવતો હતો. રૂપિયા લઈને આરોપી રફુચક્કર થઈ જતો હતો.
થાણેમાં રહેતી યુવતી સાથે પણ આ જ રીતે પ્રેમનું નાટક કરી આરોપીએ મંદિરમાં લગ્ન કર્યાં હતાં. પછી ઑસ્ટ્રેલિયા, રશિયામાં નોકરીએ લગાવવા સહિતનાં અન્ય વચનો આપી ફોર્ચ્યુનર કાર અને 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ રકમ દેશ-વિદેશમાં પબ, હોટેલમાં મોજમજા પાછળ આરોપીએ ઉડાવી હતી. આ દરમિયાન આરોપીએ યુવતી સાથેના શારીરિક સંબંધના વીડિયો બનાવી લીધા હતા.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ કોઈ વચન ન પાળતાં યુવતીએ રૂપિયા પાછા માગ્યા તો અશ્ર્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આરોપીએ આપી હતી. આખરે યુવતીએ કાસારવડવલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ તેલંગણા રાજ્યમાં પણ એક યુવતી સાથે લગ્ન કરીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. યુવતી પાસેથી 15 લાખ અને તેના ફ્રેન્ડ્સને યુરોપમાં નોકરી અપાવવાની લાલચે આરોપીએ 18 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે 33 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો અલ્લાપુર રાજ્યમાં નોંધાયો હતો. ત્યાંની પોલીસ આરોપી સુરેશની શોધ ચલાવી રહી હતી.
વિશાખાપટ્ટનમમાં એક મહિલા સાથે નવ લાખની છેતરપિંડી કરનારો આરોપી અન્ય મહિલાઓના સંપર્કમાં હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. જોકે આરોપી રશિયામાં હોવાથી પોલીસે તેની સામે એલઓસી ઈશ્યુ કર્યું હતું. મહિનાના પ્રારંભમાં આરોપી નવી દિલ્હી ઍરપોર્ટ પર પહોંચતાં જ ઈમિગ્રેશન વિભાગના અધિકારીએ તેને તાબામાં લીધો હતો અને કાસારવડવલી પોલીસને જાણ કરી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીએ અન્ય ચાર યુવતીને આ રીતે છેતરી હોવાની કબૂલાત કરી હતી.