ગ્લાસગોઃ કૉમનવેલ્થ ગેમ્સમાં બે દિવસ સુધી ચાલતી 10 પ્રકારની હરીફાઈઓવાળી ડિકેથ્લોન નામની ઇવેન્ટમાં ભારતના તેજસ્વિન શંકરે ઘૂંટણના અસહ્ય દુખાવા છતાં મેડલ જીતીને રહ્યો હતો. તેણે ત્રીજા સ્થાન પર રહીને ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો. તે કૉમનવેલ્થમાં ડિકેથ્લોન (Decathlon)ની સ્પર્ધામાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ઍથ્લીટ છે.
ડિકેથ્લોનમાં કઈ 10 હરીફાઈ હોય?
ડિકેથ્લોનમાં દરેક સ્પર્ધકે 10 પ્રકારની અલગ અલગ હરીફાઈમાં સારું પર્ફોર્મ કરીને મેડલ માટે પૂરતા પૉઇન્ટ મેળવવા પડે છે. આ 10 હરીફાઈ ક્રમાનુસાર આ મુજબ છેઃ (1) 100 મીટર દોડ (2) લાંબો કૂદકો (3) ગોળા ફેંક (4) ઊંચો કૂદકો (5) 400 મીટર (6) 110 મીટર વિઘ્ન દોડ (7) ડિસ્કસ થ્રો (8) વાંસ કૂદકો (9) ભાલાફેંક (10) 1500 મીટર દોડ.
તેજસ્વિને બે દિવસ સુધી ચાલેલી ડિકેથ્લોનમાં કુલ 7,976 પૉઇન્ટ મેળવ્યા હતા અને ત્રીજા સ્થાને રહેતાં બ્રૉન્ઝ (Bronze) જીત્યો હતો. ગ્રેનાડાના લિન્ડૉન વિક્ટર (8,096 પૉઇન્ટ) ગોલ્ડ મેડલ અને કૅનેડાનો ડેમિયન વૉર્નર (8,036 પૉઇન્ટ) સિલ્વર મેડલ જીત્યો હતો.
Tejaswin Shankar won India’s first-ever decathlon medal in Commonwealth Games history 🇮🇳 https://t.co/TnBIqXVBDy
— Prasanna Kaup (@kaupprasanna) August 1, 2026
હવે એશિયનમાં ગોલ્ડ જીતવો જ છે
તેજસ્વિન 2022ની ગઈ કૉમનવેલ્થમાં હાઇ જમ્પમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. જોકે આ વખતે તેણે ઘૂંટણના દુખાવાને કારણે હાઇ જમ્પની હરીફાઈમાંથી નીકળી જવું પડ્યું હતું. જોકે તેણે મેડલ માટેની આશા નહોતી છોડી અને હિંમત કરીને ડિકેથ્લોનમાં તેણે ભાગ લીધો અને ચંદ્રક જીતીને રહ્યો. તેણે જીત્યા પછી કહ્યું, `પરિસ્થિતિ સારી હોય કે વિપરીત, મારામાં જે સ્પર્ધાત્મક શક્તિ છે એ હું બરાબર જાણું છું.
મને પડકાર ઝીલવા ગમે છે એટલે જ હું ઘૂંટણના દુખાવા છતાં ડિકેથ્લોનની હરીફાઈમાં ભાગ લેવા ઊતર્યો હતો. હવે હું પૂર્ણ ફિટનેસ પાછી મેળવીશ તથા સ્વાસ્થ્ય બરાબર જાળવીશ અને બે મહિના પછી જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં મારે ગમે એમ કરીને ગોલ્ડ મેડલ જીતવો છે.'
કૉમનવેલ્થમાં કોણે કેટલા મેડલ જીત્યા?: ભારત દસમા પરથી છઠ્ઠા સ્થાને આવ્યું

(નોંધઃ તમામ આંકડા શનિવાર સાંજ સુધીના છે)