Thu Jul 23 2026

Logo

ટંકારાના સજનપુરમાં વિલામાં ચાલતું જુગારધામ ઝડપાયું: 44 લાખના મુદ્દામાલ સાથે નવ આરોપી ઝડપાયા

2026-07-19 19:02:00
Author: Devayat Khatana
Article Image

ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલી 'ઓમ વિલા' રેસિડેન્સીમાં ગેરકાયદે રીતે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી છે. બોર્ડર રેન્જ ભુજની ક્રાઈમ-2 ટીમ દ્વારા કરવામાં આવેલી આ સઘન કાર્યવાહીમાં મોટો જુગારનો અડ્ડો પકડી પાડવામાં આવ્યો છે. 
બાતમીના આધારે પોલીસે સજનપર-ધુનડા રોડ પર આવેલા બંગલા નંબર A-3 પર રેડ કરી હતી, જ્યાં દેવશંકર હિમંતલાલ શિતાણી નામના શખસ દ્વારા અન્ય ખેલાડીઓને બોલાવીને તીન પત્તીનો હારજીતનો જુગાર રમાડવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. જે બંગલામાં જુગારધામ ચાલતું હતું તેનું લાઈટ બિલ મોરબીના વોર્ડ નંબર 8ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના નામે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ જુગારધામ મુખ્યત્વે આરોપી દેવશંકર શિતાણી દ્વારા સંચાલિત હતું. તે બહારથી જુગારના ખેલાડીઓને આકર્ષીને પોતાની કબજા હેઠળની વાડીમાં આવેલા બંગલામાં નાલ ઉઘરાવીને જુગાર રમાડતો હતો. પોલીસની ટીમ જ્યારે બંગલામાં પહોંચી ત્યારે ત્યાં કુલ 9 ઇસમો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં હાર્દિકભાઈ માકાસણા, જયેશભાઈ પડસુંબીયા, ઉત્તમભાઈ ધુમલીયા, નરોતમભાઈ ફેફર, અરવિંદભાઈ ભીમાણી, રાજેશભાઈ ભીમાણી, ચેતનભાઈ ચિકાણી અને જીગ્નેશભાઈ કાચરોલાનો સમાવેશ થાય છે. 

આ દરોડામાં પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, ગંજીપત્તા, મોબાઈલ ફોન અને બે લક્ઝુરિયસ ફોર-વ્હીલર ગાડીઓ સહિત કુલ 44,76,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની અંગ જડતીમાંથી પણ લાખોની રોકડ રકમ મળી આવી હતી, જે તેમની જુગારની પ્રવૃત્તિઓ સાબિત કરવા માટે મહત્વના પુરાવા તરીકે કામ લાગશે. સ્થળ પરથી લાઈટ બિલ પણ કબજે કરવામાં આવ્યું છે, જે બંગલાના માલિકી હક અને અન્ય વિગતોની તપાસમાં મદદરૂપ થશે.
 
ટંકારા પોલીસે આ સમગ્ર મામલે ગુજરાત જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધીને તમામ 9 આરોપીઓની અટકાયત કરી છે. આ સનસનાટીભર્યા કિસ્સામાં વધુ તપાસ પીએસઆઈ ભાવેશભાઈ ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસના આ આકરા પ્રહારથી સ્થાનિક સ્તરે ગેરકાયદે જુગાર રમતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.