Fri Jun 12 2026

Logo

સુરતમાંથી  રૂપિયા 11.96 લાખનો શંકાસ્પદ ઘીનો  જથ્થો જપ્ત, આઇસક્રીમ અને મઠાના સેમ્પલ લેવાયા

2026-06-12 20:37:52
Author: Chandrakant Kanoja
Article Image

સુરત : ગુજરાતમાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આજે સુરતના માંગરોળ તાલુકાના લીંડીયાડ સ્થિત 'દેવકુંજ મિલ્ક પ્રોડક્ટસ પ્રાઈવેટ લીમીટેડ' ખાતે તપાસ હાથ ધરાઈ હતી. આ દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર્સે સ્થળ પરથી અંદાજે રૂ. 11.26  લાખની કિંમતનો 1603 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે અને રિપોર્ટના આધારે આગામી સમયમાં કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે.

ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠાના 183 થી વધુ સેમ્પલ લીધા 

મંત્રીએ વધુ માહિતી આપતા ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઇસક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમોએ ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 183 થી વધુ સેમ્પલ લીધા છે.

ફ્રોઝન ડેઝર્ટ અને શ્રીખંડ-મઠો એ અલગ-અલગ પ્રોડક્ટ્સ

FSSAIના નિયમોનુસાર આઇસક્રીમ-ફ્રોઝન ડેઝર્ટ અને શ્રીખંડ-મઠો એ અલગ-અલગ પ્રોડક્ટ્સ છે. આઈસ્ક્રીમમાં મુખ્યત્વે મિલ્ક ફેટ -દૂધની ચરબી હોય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વેજીટેબલ ફેટ કે Edible Vegetable Oil નો ઉપયોગ થાય છે. આથી ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ તરીકે વેચવું એ ગ્રાહકો સાથે છેતરપિંડી છે. 

શ્રીખંડના નામે મઠો વેચવો સ્વાસ્થય સાથે ચેડાં 

શ્રીખંડ માટે કાયદાકીય ધોરણો નક્કી કરાયા છે. જ્યારે મઠોએ પરંપરાગત દૂધ આધારિત અલગ ઉત્પાદન છે. એકબીજાના નામે તેનું વેચાણ કરવું એ કાયદા મુજબ  મિસ બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે વેચાણ ગણાશે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને થતું આવું વેચાણ તેમના સ્વાસ્થ્ય અને અધિકારો સાથે ગંભીર ચેડાં સમાન છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે લાલ આંખ કરતાં , કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ છે.