Wed Jul 01 2026

Logo

સુરતમાં 80 કિલોની યુવતીએ પાતળા થવાની લ્હાયમાં 1.77 કરોડ ગુમાવ્યા, દેશભરમાં 80 કરોડનો કાંડ

2026-07-01 10:41:00
Author: Mumbai Samachar Team
Article Image

સુરત:આજકાલ સોશિયલ મીડિયા પર વજન ઘટાડવા અને સુંદર દેખાવાની આકર્ષક જાહેરાતો અવારનવાર જોવા મળે છે, પરંતુ એક સાદી ક્લિક તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેની મોડસ ઓપરેન્ડી જાણીને સાયબર એક્સપર્ટ્સ પણ ચોંકી ગયા છે.

ક્યુરેસ્ટ સાયન્સના નામે ચાલતું હતું કૌભાંડ

તપાસમાં સામે આવ્યું છે કે, 'ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ' (Curest Science and Wellness Pvt Ltd) નામની કંપનીના નામે આ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. હરિયાણાના ગુરુગ્રામ (Gurugram) ખાતે એક કોલ સેન્ટર ધમધમતું હતું, જ્યાંથી આ લોકો દેશભરના લોકોને શિકાર બનાવતા હતા. આ કોલ સેન્ટરમાં 150થી વધુ યુવતીઓ નોકરી કરતી હતી, જેઓ ગ્રાહકોને ફોન કરીને વજન ઘટાડવાની ટીપ્સ અને દવા આપવાની વાતો કરી વિશ્વાસમાં લેતી હતી. સુરતની અંદાજે 80 કિલો વજન ધરાવતી યુવતીએ ફેસબુક પર વજન ઘટાડવાની આકર્ષક જાહેરાત જોઈ અને તેના પર ક્લિક કર્યું. આથી શરૂ થયેલા કૌભાંડમાં તેઓ 1.77 કરોડ રૂપિયાના ભોગ બન્યાં. 

હાઈ-ટેક કોલ સેન્ટર અને ફેક ડોક્ટર્સ:

આ ગેંગ પાસે 150થી વધુ કર્મચારીઓવાળું હાઈ-ટેક કોલ સેન્ટર હતું, જે પ્રોફેશનલ કંપનીની જેમ કાર્યરત હતું. ગેંગના સભ્યો અવાજ બદલવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ડૉ. એમ. કે. ખન્ના’ કે ‘ડૉ. આકાશ મલ્હોત્રા’ જેવા નામે ગૃહિણીને વિશ્વાસમાં લેતા. 

તપાસ મુજબ આરોપીઓ અલગ-અલગ નામ અને ઓળખ અપનાવીને ફ્રોડ કરતા હતા. આરોપી મોહમ્મદ હુસૈન કુરિયર બોય બનીને રકમ ઉઘરાવતો હતો, જ્યારે આરોપી હેના ‘તન્વી શર્મા’ બનીને ફોન પર લોકોને વિશ્વાસમાં લેતી હતી. આરોપી નિશા ‘પ્રિયા ગુપ્તા’ના નામે દવાના વેચાણ દ્વારા કરોડો રૂપિયા વસૂલતી હતી અને આરોપી ઓમ પ્રકાશ દિલ્હીથી દવાના પાર્સલ પહોંચાડી રોકડ વસૂલતો હતો.

રોકડની અદલાબદલી:

પોલીસની નજરથી બચવા માટે આ ગેંગ બેંક ટ્રાન્સફરને બદલે સીધી રોકડ રકમ જ લેતી હતી. દિલ્હીથી કુરિયર બોય વિમાનમાર્ગે સુરત આવતો, દવા આપીને થેલાઓમાં લાખો રૂપિયાની રોકડ લઈને પાછો જતો.

બ્લેકમેઈલિંગ:

કરોડો રૂપિયા પડાવ્યા બાદ પણ ગેંગે ‘મેડિકલ ફાઈલ બંધ થઈ જશે’ તેવી ધમકી આપીને વધુ 81.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગૃહિણીએ હિંમત દાખવીને સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો. એડીસીપી ડૉ. કરણરાજસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે સફળ જાળ બિછાવી. જ્યારે ગેંગનો કુરિયર બોય 81 લાખની રોકડ લેવા આવ્યો ત્યારે પોલીસે તેને રંગે હાથે ઝડપી લીધો. આ કડીના આધારે ગુરુગ્રામમાં દરોડો પાડી મુખ્ય આરોપી હેના અને નિશા કુમારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ સમગ્ર દેશવ્યાપી કૌભાંડની કુલ રકમ 80 કરોડથી વધુ હોવાની આશંકા છે.

તપાસ દરમિયાન પોલીસને સમગ્ર ગોઠવણ પાછળ મોટા નેટવર્કની સંડોવણી હોવાની આશંકા છે. હાલ ફરાર આરોપી અને કંપનીના ડિરેક્ટર તરીકે સામે આવેલા અમિત તથા પંકજ શર્માની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મેનેજર દીપક સમગ્ર રેકેટનું સંચાલન કરતો હોવાનો આરોપ છે. આરોપી અસરલાન પણ કથિત રીતે ‘ડૉ. એમ.કે. ખન્ના’ અને ‘ડૉ. આકાશ મલ્હોત્રા’ બનીને લોકો સાથે વાતચીત કરીને વિશ્વાસ જીતતો હતો. પ્રાથમિક તપાસમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન અંદાજે ₹75થી ₹80 કરોડ સુધીની છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાલમાં પણ ચાલુ છે.