Thu Jun 11 2026

Logo

સુરતના 'ભૂતિયા ડિમોલિશન' મુદ્દે ભાજપના ધારાસભ્યએ શું કહ્યું?

2026-06-11 14:04:39
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરના નાસીરનગર  'ભૂતિયા ડિમોલિશન' મુદ્દો હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મોટું નિવેદન આપ્યું હતું. ધારાસભ્યએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, હજુ સુધી મેં આ કેસમાં કોઈ રસ લીધો નથી. ભૂતિયા દબાણ હોવાની વાત મારા દ્વારા નથી કરાઈ. મારા નિવેદનથી તકલીફ હોય તે સામે આવે. 

દબાણ હટાવાયા એ હકીકત છે, સાચું - ખોટું તપાસનો વિષય

આ ઉપરાંત તેમણે કહ્યું,મનપાના અધિકારીઓ ખોટા જવાબો રજૂ કરી રહ્યા છે. ભોગ બનનારા લોકો ઘૂસણખોરો હોય તો તગડી મૂકો.  દબાણ હટાવાયા એ હકીકત છે, સાચું - ખોટું તપાસનો વિષય છે. કોઈના કહેવાથી અધિકારીઓઓએ બ્રીફિંગ કર્યુ લાગે છે. મીડિયાએ પૂછેલા સવાલનો મેં જવાબ આપ્યા છે.

બે દિવસ પહેલા વિનુ મોરડિયાએ સુરત મહાનગરપાલિકા દ્વારા રચાયેલી તપાસ સમિતિની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જે તંત્રના અધિકારીઓ પર આક્ષેપો થઈ રહ્યા છે, તે જ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવે તો સત્ય બહાર આવવાની શક્યતા નહીંવત છે. તેથી સમગ્ર મામલાની તપાસ રાજ્ય સરકારના સચિવ કક્ષાના સ્વતંત્ર સુરત ભૂતિયા ડિમોલિશનઅધિકારીને સોંપવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.

વિનુ મોરડિયાએ જણાવ્યું હતું કે, આ તપાસ માત્ર એક ઔપચારિકતા બનીને ન રહી જવી જોઈએ. સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ થાય તે અત્યંત જરૂરી છે. જો તપાસ દરમિયાન કોઈ પણ અધિકારી, કર્મચારી અથવા અન્ય જવાબદાર વ્યક્તિની સંડોવણી સામે આવે, તો માત્ર વિભાગીય પગલાં પૂરતા નથી, પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધીને ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવી જોઈએ. જાહેર જનતાનો તંત્ર પરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે દોષિતોને કાયદા મુજબ કડક સજા મળવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન ગુજરાતના ઈતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવવામાં આવી રહ્યું છે.