Thu Jul 02 2026

Logo

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે કોર્ટે ગુજરાત સરકારને કર્યા વેધક સવાલો

2026-07-02 20:30:44
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સુરતના ખૂબ જ વિવાદાસ્પદ નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા. હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે શું તેઓ તેમના નાગરિકો માટે જવાબદાર નથી અને ટકોર કરી હતી કે મ્યુનિસિપલ કમિશનરથી ઘણા વરિષ્ઠ પદ ધરાવતા વ્યક્તિના સ્તરે તપાસ થવી જોઈતી હતી.

સુરત મનપા દ્વારા હાથ ધરાયેલા ડિમોલિશન બાદ બેઘર થઈ ગયા અમુક નાગરિકોએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે સરકારને આ અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.  ડીસીપી સ્તરના અધિકારી સ્થળ પર હાજર હોવા છતાં, આ મામલે ફરિયાદ અને તપાસ ન થઈ તે અંગે હાઇકોર્ટે પોલીસ કમિશનરને મૌખિક પ્રશ્નો પણ પૂછ્યા હતા. 

સુરત મ્યુનિસિપલ કમિશનરે પોતાના સોગંદનામામાં કોર્ટને જણાવ્યું હતું કે મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જણાવવામાં આવ્યું છે કે સંબંધિત અધિકારીઓ સત્ય બહાર લાવી રહ્યા ન હોવાથી વધુ તપાસ જરૂરી છે. તેમાં ઉમેર્યું હતું કે ડિમોલિશન દરમિયાન સ્થળ પર હાજર રહેલા પાંચ અધિકારીને વિભાગીય કાર્યવાહી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગે રાજ્યનું વલણ શું છે? તપાસ કોર્પોરેશન દ્વારા, કોર્પોરેશનના અધિકારીઓ  દ્વારા કરવામાં આવી છે. શું રાજ્ય સરકાર તેના નાગરિકો માટે જવાબદાર નથી? તેવા સવાલો કોર્ટે સરકારી વકીલને કર્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે નાની મોટી બાબતોથી રાજ્ય સરકાર ચિંતિંત હોય છે, જ્યારે આટલા મોટા પાયે ડિમોલિશન થયું છે ત્યારે રાજ્ય ચિંતિત નથી?.  રાજ્યને ચોક્કસપણે જાણવામાં રસ હોવો જોઈએ કે આ ડિમોલિશન કેવી રીતે થયું.

આ સાથે કોર્ટે એમ પણ જણાવ્યું કે આ એક વખતની ઘટના ન હોઈ શકે. જો તમારા અધિકારીમાં આવું કંઈક કરવાની હિંમત હોય (100 ઘર તોડવા જેટલી)તો ભગવાન જાણે તમે અત્યાર સુધીમાં કેટલું કર્યું છે જે હજુ સુધી બહાર આવ્યું નથી.

કોર્ટે એમ પણ પૂછ્યું કે શું કોઈ વ્યક્તિનું રહેઠાણ તોડી પાડવું એ દંડનીય ગુનો નથી. પોલીસ કમિશનરને આ ઘટના વિશે લેખિતમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવા અંગે કોર્ટે પ્રશ્ન કર્યો હતો. કોર્ટે એ પણ જાણવા માંગ્યું હતું કે ગેરકાયદે ડિમોલિશનને કારણે બેઘર બનેલા લોકોના પુનવર્સન માટે મનપા કમિશનરે શું યોજના બનાવી છે. કોર્ટે જણાવ્યું હતું કે ડિમોલિશન ગેરકાયદે થયાનું સ્પષ્ટ થઈ ગયું છે, આથી તેમના પુનર્વસનની વ્યવસ્થા મનપાની છે. 

મ્યુનિસિપલ કમિશનરે તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે આ પ્લોટ અમુક ખાનગી વ્યક્તિઓનો હતો જેમણે તૃતીય પક્ષો દ્વારા ડેવલપ કરવાની માંગણી કરી હતી, અને આ વર્ષે 12 માર્ચે પ્લોટ માન્યતા પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું, જે નામંજૂર કરવામાં આવ્યું હતું.

જ્યારે ડેવલપરે સ્ટ્રીટ લાઇનનું ડિમાર્કેશન કરવાની વિનંતી કરી હતી, ત્યારે મનપાના કેટલાંક અધિકારીઓએ પોલીસ અધિકારીઓને 30 મેના રોજ હાથ ધરવામાં આવનાર ડિમાર્કેશન વિશે જાણ કરી હતી. કમિશનરે જણાવ્યું હતું કે સીમાંકન દરમિયાન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.