Wed Jul 01 2026

Logo

સુરતમાં ડિમોલિશન કેસમાં કયા 5 અધિકારીઓનો લેવાયો ભોગ, શું લેવાયા પગલાં

2026-07-01 14:08:00
Author: Mayur Patel
Article Image

સુરત: શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ડિમોલિશન કેસમાં 5 અધિકારીઓનો ભોગ લેવામાં આવ્યો હતો. બે કાર્યપાલક ઇજનેર, એક ડેપ્યુટી ઇજનેર, એક જૂનિયર ઇજનેર, એક આસિસ્ટન્ટ ઇજનેર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નાસીરનગર ખાતે ગત તા. 30/05/2026ના રોજ કરવામાં આવેલા ડિમોલિશનના મામલે મનપા કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ડિમોલિશન અંગે રચાયેલી તપાસ સમિતિના અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે બે કાર્યપાલક ઇજનેર અને એક ડેપ્યુટી ઇજનેર સહિત કુલ ૫ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓના નામ

1. સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ – કાર્યપાલક ઇજનેર (સિવિલ)
2. જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા – કાર્યપાલક ઇજનેર (સિવિલ)
3. અર્પણ મનસુખલાલ પરમાર – ડેપ્યુટી ઇજનેર (સિવિલ)
4. મોનિક બાબુભાઈ ગઢીયા – આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ)
5 નરેશકુમાર બીનલભાઈ ગલચર – જુનિયર ઇજનેર (સિવિલ)

મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, નાસીરનગર ડિમોલિશનની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકાને પગલે તપાસ સમિતિ નિમવામાં આવી હતી. આ સમિતિના રિપોર્ટમાં અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાતા ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. તપાસ દરમિયાન કોઈ અધિકારી પોતાના પદનો દુરુપયોગ કરી પુરાવા સાથે છેડછાડ ન કરી શકે તે માટે મનપા પ્રશાસન દ્વારા આ પાંચેય ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરત મનપાની આ આકરી કાર્યવાહીથી સમગ્ર વહીવટી તંત્ર અને ઇજનેરી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

લોકોમાં આ કામગીરી કયા મોટા માથાના ઈશારે કરવામાં આવી હતી તેની તપાસ કરવાના બદલે  5 અધિકારીઓનો ભોગ લઈને તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે તેવો દેખાડો કરવામાં આવ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે.