સુરતઃ કોર્પોરેસનનાં ટોચના મહિલા અધિકારીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. કાર્યપાલક ઈજનેરે પણ રાજીનામું ધરી દીધું હતું. પાલિકાના બે અધિકારીઓના રાજીનામાની વિગતો સામે આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, મનપાના જનસંપર્ક અધિકારી પ્રતિમા ચૌધરીએ થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું. એવું કહેવાય છે કે રાજીનામું આપ્યા પછી તેમણે તે પરત ખેંચવા માટે પ્રયાસો કર્યા હતા, પણ પાલિકાના તંત્રએ એટલી ઝડપથી ફાઇલ આગળ વધારી દીધી કે કમિશનરે ચાર દિવસ પહેલાં જ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું.
આ ઉપરાંત વર્ષો સુધી પાલિકાની મુખ્ય ઓફિસમાં મહત્વના હોદ્દા પર રહેલા ઈજનેર રૂપેશ શાહની તાજેતરમાં જ ઉધના-બી ઝોનમાં બદલી કરવામાં આવી હતી. ઝોનની આ અઘરી કામગીરી મળતા જ તેઓ નારાજ થયા હતા. તેમણે રાજીનામાની ધમકી આપી હતી. પરંતુ તંત્રએ કોઈ ફેરફાર ન કરતાં આખરે તેમણે રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચા છે. જોકે,હજુ સુધી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એક સાથે બે મોટા અધિકારીઓના રાજીનામાની વાતો બહાર આવતા પાલિકાના કર્મચારીઓમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ અને કામના ભારે દબાણના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે. હવે આગામી દિવસોમાં પાલિકામાં શું ફેરફાર થાય છે તેના પર સૌની નજર રહેશે.