સુરત: સુરતની પ્રતિષ્ઠિત લાજપોર મધ્યસ્થ જેલમાંથી લાંચખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેલમાં બંધ કેદીઓની મુલાકાત લેવા આવતા મુલાકાતીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના રેકેટનો ACB એ પર્દાફાશ કર્યો છે. એસીબીની ટીમે એક જાગૃત નાગરિકની મદદથી છટકું ગોઠવીને આરોપીને રૂપિયા 500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના? (Case Details)
એસીબી સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને લાંબા સમયથી આધારભૂત માહિતી મળી રહી હતી કે, લાજપોર મધ્યસ્થ જેલના મુલાકાતી રૂમમાં કેદીઓને મળવા આવતા સગા-સંબંધીઓ પાસેથી મુલાકાતી ફોર્મ ભર્યા વગર અથવા કોઈ પણ કાયદેસરની નોંધણી કર્યા વગર સીધી મુલાકાત કરાવી આપવાના અવેજ પેટે રૂપિયા 500/- થી રૂપિયા 1000/- ની લાંચ માંગવામાં આવે છે. આ બાતમીની ચોક્કસ ખરાઈ કરવા માટે એસીબી દ્વારા તારીખ લાજપોર જેલના મુલાકાતી રૂમ ખાતે એક ખાસ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રૂપિયા 500 ની લાંચ લેતા રંગેહાથ ધરપકડ
આ છટકા દરમિયાન, એસીબીના સહયોગી બનેલા ડીકોયર (જાગૃત નાગરિક) જેલના મુલાકાતી રૂમમાં ગયા હતા. ત્યાં હાજર આરોપી પ્રતિક કૈલાશ સસાને (ઉંમર વર્ષ 35, રહે. કેશવનગર ભેસ્તાન, સુરત) એ મુલાકાત કરાવી આપવાના બદલામાં ડીકોયરને હાથથી ઈશારો કર્યો હતો. આરોપીએ રૂપિયા 500/- ની લાંચની માંગણી કરી આ રકમ સ્વીકારતા જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રૂપિયા 500/- રિકવર કરી લીધી છે.