Thu Jul 23 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! 100થી વધારે રસ્તા બંધ થતા વાહનવ્યહાર પર લાગી મોટી 'બ્રેક'

2026-07-10 16:18:34
Author: Mumbai Samachar Team
Article Image

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સતત અને સખત રીતે પડેલા વરસાદને કારણે અનેક એવા નાના-મોટા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, જેની સીધી અસર પરિવહન સેવાને થઈ છે. સુરત શહેરમાં સૌથી વધારે તારાજી થઈ છે. અવિરત વરસી રહેલા વરસાદે પરિવહન સેવામાં મોટી બ્રેક મારી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે રાજ્યના માર્ગ તથા મકાન વિભાગ અને પંચાયત હસ્તક આવતા રસ્તા ધોવાઈ ગયા છે. કેટલાક રસ્તાઓ પર લાંબા સમય સુધી પાણી ઓસર્યા ન હતા. સરકાર દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટમાંથી વિગત એ જાણવા મળી છે કે, 75 જેટલા મોટા અને મહત્ત્વના રસ્તાઓ યુદ્ધના ધોરણે બંધ કરવાની ફરજ પડી છે. આ કારણે વાહનવ્યહાર પર અલ્પવિરામ મૂકાઈ ગયો છે. 

ક્યા વિસ્તારની ક્નેક્ટિવિટી તૂટી?
રસ્તાઓ બંધ થવાના કારણે અનેક અંતરિયાળ વિસ્તારની ક્નેક્ટિવિટી તૂટી છે. ગ્રામિણ તથા જિલ્લાઓને જોડતા રસ્તાઓ તૂટી જતા થોડા સમય માટે સંપર્કવિહોણા બન્યા હતા.  રાજ્ય સરકાર હસ્તક આવતા 67 રસ્તાઓ પર વાહનવ્યહારને માઠી અસર થઈ છે. તૂટેલા રસ્તા, પાણીનો ભરાવો, કિચડ તથા મસમોટા ખાડા પડી જવાને કારણે વાહનચાલકો માટે અહીંયાથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ગ્રામિણ જ નહીં નેશનલ હાઈવે સમાન રસ્તાઓ પર મસમોટા ગાબડાં પડી જતા પરિવહન સેવાને મોટી બ્રેક લાગી છે. સુરત શહેર તથા જિલ્લાઓમાં સૌથી વધારે 18 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રને જોડતા રસ્તાઓમાં પણ મસમોટા ગાબડા પડ્યા છે. અમરેલી જિલ્લામાં 13 રસ્તાઓ, પોરબંદર જિલ્લામાં 11, જૂનાગઢ જિલ્લામાં 8 અને ભરૂચ જિલ્લામાં 4 રસ્તાઓ પાણીમાં ડૂબી જવાથી બંધ કરવાની ફરજ પડી છે. ભાવનગર શહેર-જિલ્લાના 15 રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યહાર માટે ઠપ્પ થઈ ગયા છે.

યુદ્ધના ધોરણે આ રસ્તાઓનું રીપેરિંગ
સરકારના અહેવાલ અનુસાર મોટા જિલ્લા તથા શહેરોને જોડતા 18 રસ્તાઓનું તાત્કાલિક ધોરણે રીપેરિંગ કરવામાં આવ્યું છે. રીપેરિંગ થયેલા રસ્તાઓ પર વાહનવ્યહાર ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. મોટા ગાબડા પડી જવાને કારણે રાજ્યના બે નેશનલ હાઈવેને સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓને ફરી સમથળ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી વધારે સુરત શહેર તથા જિલ્લાઓને જોડતા રસ્તાઓને નુકસાન થયું છે.