સુરતઃ સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભયનો માહોલ ઊભો કરે એવા વાવડ મળ્યા છે. પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી ધીરૂભાઈ રામાણી અચાનક લાપતા થઈ જતા પરિવારજનોની ચિંતા વધી છે. પરિવારજનોને એવી આશંકા છે કે, અલકાયદા સાથે જોડાયેલા કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા એનું અપહરણ કરવામાં આવ્યું છે. આ સાથે 100 કરોડની માગ કરવામાં આવી છે. આ વાવડ મળતા સુરત હીરા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. માત્ર ધીરૂભાઈ જ નહીં, એમની સાથે બીજા બે ભારતીયોનું પણ અપહરણ થયાના વાવડ મળી રહ્યા છે.
ત્રણ ભારતીયોનું અપહરણ
બે ભારતીય નાગરિકોમાં એક રસોઈઓ છે અને બીજો વ્યક્તિ ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. આમ કુલ ત્રણ જણ લાપતા થયા છે. સમગ્ર ઘટના સામે આવતા વિદેશમાં વ્યાપાર કરતા સુરતના વેપારીઓમાં ભયનો માહોલ છે. સુરતમાંથી ઘણા વેપારીઓ આફ્રિકાના દેશમાં વેપાર કરી રહ્યા છે. અચાનક આ સમાચાર સામે આવતા હવે તેઓ ટ્રેડ માટે વિચાર કરી રહ્યા છે.
થોડા સમય પહેલા વિદેશ મંત્રાલય દ્વારા એક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે, માલી જેવા દેશમાંથી અપહરણ અને લાપતા થવાની વધી રહેલી ઘટનાઓ અંગે એલર્ટ રહેવા માટે ખાસ ભારતીયોને સૂચના આપવામાં આવી છે.ધીરૂભાઈનો પરિવાર વર્ષોથી હીરાના વેપાર સાથે જોડાયેલો છે. થોડા સમય પહેલા જ ધીરૂભાઈએ આફ્રિકામાં આવેલા માલીમાં સોનાની ખાણને લઈને એક પ્રોજેક્ટમાં મસમોટું રોકાણ કર્યું હતું. એ પછી આ ઘટના સામે આવી છે.
વિડિયોકોલ કરીને વાત કરી
સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ ભારત સરકારનું પણ ધ્યાન દોર્યું છે. ધીરૂભાઈ કોઈ અજાણ્યા લોકેશન પરથી ગુમ થયા છે. આ જગ્યા કઈ છે એ અંગે હજુ સુધી કોઈ વિગત સ્પષ્ટ થઈ નથી. જ્યારે પરિવારજનોનેએ ધીરૂભાઈ અંગે ખરાઈ કરવા માટે માગ કરી એ સમયે અપહરણ કરનારાઓએ વિડિયોકોલ કરીને વાત કરાવી હતી. આ દરમિયાન તેઓ જીવીત અને સુરક્ષિત હતા.આ પછી અમેરિકામાં રહેતા પરિવારે પોતાના સ્વજનને છોડાવવા માટે અપહરણ કરનારનો સંપર્ક કર્યો છે.
ધીરૂભાઈના નજીકના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ખંડણીની રકમ આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હાલ નથી. આ રકમ મળી જતા તેઓ મુક્ત કરી દેશે. અમે વિદેશથી અમારી રીતે પરિસ્થિતિને ટેકલ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. ધીરૂભાઈનો પરિવાર અમેરિકામાં રહે છે. સુરતમાં રહેતા એમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અલકાયદાનું એક જુથ અમેરિકામાં એક્ટિવ થયું છે.
અજાણ્યા સ્થળે હોવાના સંકેત
ધીરૂભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે. ત્રણેય ભારતીયોને મુક્ત કરવા બદલ 100 કરોડની ખંડણીની માગ કરી છે. હીરા બજારમાંથી વિગત એવી જાણવા મળી છે કે, ખંડણીની માગ કર્યા બાદ પરિવારજનો ખૂબ જ ચિંતામાં છે. પૈસાની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરી રહ્યા છે. હજુ આ કેસમાં તપાસ ચાલું છે. અમેરિકામાં પણ ભારતીય રાજદૂતને આ અંગે જાણ કરવામાં આવી છે.