Wed Jul 01 2026

Logo

સુરતમાં ₹6 કરોડનું સાપનું ઝેર પકડાયું પણ પરીક્ષણમાં ફિયાસ્કો રાજ્યની FSL રિપોર્ટ આપવામાં નિષ્ફળ

2026-02-15 11:38:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ થોડા દિવસ પહેલા  ડાયમંડ નગરી સુરતમાં ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ કહી શકાય તેવા પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેચવા આવેલા 7 યુવકો પકડાયા હતા. જ્યારે માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર થઈ ગયો હતો. લસકાણા ખાતે નવજીવન સર્કલ પાસેના સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ પાડીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરાથી  એક વકીલ સહિત પાંચ જણા ઝેરનો સોદો કરવા આવ્યા હતા. 

મેરેજ બ્યુરોના સંચાલક તથા તેના સાઢુ ભાઈએ ઝેરનો 9.10 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ડીલ ચાલતી હતી તે સમયે પોલીસ ત્રાટકી હતી. અમદાવાદના વ્યક્તિ પાસેથી આ ઝેર વેચવા લાવવામાં આવ્યું હતું તે ફરાર થઈ ગયો હતો. કોબ્રા ઝેર કેસમાં એક મહિના પછી પણ તપાસમાં હવામાં બાચકા ભરવા જેવી સ્થિતિ જોવા મળી છે. વિકાસના ગાણા ગાતી રાજ્ય સરકારની વ્યવસ્થાની નબળાઈ આ કેસમાં ફરી સામે આવી છે. રાજ્યની ફોરેન્સિક લેબ ઝેરનું પરીક્ષણ કરવામાં નિષ્ફળ જતાં અને સાપનું ઝેર કઈ પ્રજાતિનું છે તેની પરખ નહીં કરી શકતાં હવે મુંબઈની હાફકિન ઈન્સ્ટિટ્યૂટ રિસર્ચ લેબ પર મદાર રાખવાનો વારો આવ્યો છે. રાજયમાં ફોરેન્સિક યુનિવર્સિટી કાર્યરત છેઅને ફોરેન્સિક લેબ પણ કાર્યરત હોવા છતા સુરતથી પકડાયેલા કથિક કોબ્રા ઝેરનું પરિક્ષણ કરવામાં તંત્ર એક મહિના પછી પણ નિષ્ફળ રહેતા આરોપીઓને લીલા લહેર થઈ જવા પામી છે.   

કાચની બોટલમાંથી કેટલું ઝેર મળ્યું

થોડા દિવસ પહેલા એસઓજી મળેલી બાતમીના આધારે નવજીવન સર્કલની પાસે આવેલા સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોમાં રેડ કરી હતી. જેમાં પ્રતિબંધિત કોબ્રા સાપનાં ઝેર (વેનમ)નો સોદો કરી રહેલા 7 જણાને ઝડપી લીધા હતા. એક કાચની બોટલમાં 6.5 મિલી લીટર સાપનું ઝેર જેની કિંમત  રૂ.5.85 કરોડ ગણી શકાય તે પોલીસે કબજે કર્યું હતું. 

ડીલ ડન થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી

સુરત SOG ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે. આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી. જ્યાં ડીલ  ડન થઈ હતી. આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા. પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા.  સાતેય આરોપીની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે, અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા.