(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ દર વર્ષે ચોમાસા પહેલા પહેલા પાણી પહેલા જ પાળ બાંધવાના હેતુથી ‘પ્રિ-મોન્સૂન કામગીરી’ અને રોડ રિપેરિંગ સહીતની કામગીરી નગરપાલીકાઓથી લઈને મહાનગરપાલિકાઓ દ્વારા હાથ ધરીને કરોડો રુપિયાના ખર્ચ કરવામાં આવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ‘પ્રિ-મોન્સૂન કામગીરી’ની પોલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીએ જ ખોલી નાખી હતી. તાજેતરમાં જ શહેરના પાલ-ઉમરા બ્રિજ નજીક મનપા દ્વારા જ્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું તે જ રોડ બેસી જતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા.
મળતી વિગતો અનુસાર, સુરતના પાંડેસરાના ગણેશનગર રોડની નીચેની માટી બેસી જતાં રસ્તા વચ્ચોવચ એક વાહનને આખેઆખું ગળી જાય તેવો વિશાળ અને ઊંડો ભુવો પડી ગયો હતો. આ ભુવો પડ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ બેરિકેડિંગ કે ચેતવણીનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. જેના કારણે ત્યાથી પસાર થઈ રહેલો એક ટેમ્પાનો આગળનો ભાગ ભુવામાં ગરકાવ થઈ ગયો હતો.
આ ટેમ્પોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ પાછળથી મુસાફરોથી ભરેલી સુરત મહાનગરપાલિકાની સીટી બસ ત્યાંથી પસાર થઈ હતી. રોડ એટલી હદે બેસી ગયો હતો કે બસનું ટાયર પડતાં જ રોડ વધુ બેસી ગયો અને આખી બસ ભુવામાં ખાબકી હતી.
બસ એકાએક નમી પડતાં અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં કુલ ૭ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તંત્ર દોડતું થયું હતું.