મુંબઈ: ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનામાં શોર્ટ સર્વિસ કમિશન(SSC) હેઠળ ફરજ બજાવતા મહિલા અધિકારીઓ માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે 13 વર્ષની સર્વિસ બાદ મુક્ત થયેલા SSCના મહિલા કર્મચારીઓ પેન્શન લાભો માટે હકદાર રહેશે.
નોંધનીય છે કે હાલના સર્વિસ રૂલ્સ હેઠળ પેન્શન મેળવવા માટે અધિકારીઓએ 20 વર્ષની સેવા પૂર્ણ કરવી જરૂરી છે.
બેન્ચે જણાવ્યું હતું કે જે અધિકારીઓને કાયમી કમિશન હેઠળ ગણવામાં આવતા હતાં પરંતુ પેન્શનના લાભો નકારવામાં આવ્યા હતાં, તેમને પેન્શન હેતુ માટે 20 વર્ષની લાયકાત સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે.
કોર્ટે ચુકાદો આપ્યો કે જેઓ હાલ સેવામાં છે તેમને તમના ગ્રેડ, મેડીકલ ક્રાઈટેરિયા, વિજીલન્સ અને ડિસીપ્લીનરી કલીયરન્સને આધીન કાયમી કમિશન મેળવવા માટે હકદાર રહેશે.
ભારતીય વાયુસેનાની એક મહિલા અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. 2019 માં રજૂ કરવામાં આવેલા નીતિગત ફેરફારોમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશનના લાભો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મહિલા અધિકારીઓએ તેની સામે અરજી દાખલ કરી હતી.
કોર્ટે અવલોકન કર્યું કે 2007 માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ સેવામાં સામેલ થયેલા અરજદારોને 2019, 2020 અને 2021 માં યોજાયેલા પસંદગી બોર્ડમાં કાયમી કમિશન માટે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, 2021 માં તેમને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે 2019, 2020 અને 2021 ના સિલેકશન બોર્ડમાં કાયમી કમિશન માટે વિચારણા કરાયેલા તમામ શોર્ટ સર્વિસ કમિશન અધિકારીઓને 20 વર્ષની લાયકાત સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે અને તેઓ પેન્શન અને અન્ય લાભો માટે હકદાર રહેશે.