જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (20 ઓવરમાં છ વિકેટે 228 રન)નો અહીં હોમ-ગ્રાઉન્ડ પર શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (18.3 ઓવરમાં 5/229) સામે પરાજય થયો હતો. પેસ બોલર (4-0-34-2)એ ફરી એક વખત પ્રશંસનીય પર્ફોર્મ કર્યું હતું, પરંતુ રાજસ્થાન (Rajasthan)ના ફીલ્ડર્સે કૅચ છોડતાં હૈદરાબાદ માટે વિજય આસાન થતો ગયો હતો.
હૈદરાબાદની જીતમાં ઇશાન કિશન (74 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) તથા અભિષેક શર્મા (57 રન, 29 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 132 રનની જે ભાગીદારી થઈ હતી એ રાજસ્થાનને ભારે પડી. રાજસ્થાનના કૅપ્ટન રિયાન પરાગ સહિત આઠ બોલરે બોલિંગ કરી હતી જેમાંથી પાંચ બોલરને વિકેટ નહોતી મળી. જોફ્રા આર્ચર અને બ્રિજેશ શર્માએ બે-બે વિકેટ અને ડૉનોવાન ફરેરાએ એક વિકેટ લીધી હતી. નવાઈની વાત એ છે કે કૅપ્ટન રિયાન પરાગે ફરી એક વખત બોલિંગમાં ફેરફાર કરવામાં નબળી કૅપ્ટન્સીની ઝલક આપી. સૌથી અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાને તેમ જ રવિ બિશ્નોઈને ફક્ત એક ઓવર બોલિંગ કરવા મળી હતી.
IPL
બે દિવસમાં ત્રણ સેન્ચુરી પાણીમાં
છેલ્લાં બે દિવસમાં ત્રણ ખેલાડીની સેન્ચુરી મૅચ-વિનિંગ સાબિત ન થઈ. શુક્રવારે ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન (100 રન)ની સદી છતાં બેંગ્લૂરુ સામે ગુજરાતનો પરાજય થયો હતો. શનિવારે સાંજે કે. એલ. રાહુલ (અણનમ 152)ની ધમાકેદાર સેન્ચુરી છતાં દિલ્હી છેવટે પંજાબ સામે હારવું પડ્યું હતું અને ત્યાર પછી રાજસ્થાનના વૈભવ સૂર્યવંશી (103 રન, 37 બૉલ, બાર સિક્સર, પાંચ ફોર)ની સદી પછી પણ હૈદરાબાદ સામે રાજસ્થાને પરાજય જોવો પડ્યો.
નીતીશ, ક્લાસેનનું પણ યોગદાન
હૈદરાબાદ (Hyderabad)ને 229 રનનો પડકારરૂપ લક્ષ્યાંક અપાવવામાં નીતીશ કુમાર રેડ્ડી (36 રન, 18 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) તેમ જ હિન્રિક ક્લાસેન (29 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના પણ યોગદાન હતા. સલિલ અરોરા આઠ રન અને અનિકેત વર્મા એક રને અણનમ હતો.
કિશન સાતેય મૅચમાં ટૉસ હારેલો, કમિન્સ આવતાવેંત ટૉસ જીત્યોઃ રાજસ્થાનની પ્રથમ બૅટિંગ
જયપુરમાં આ વખતની આઇપીએલમાં પહેલી જ વખત મૅચ રમાઈ અને રાજસ્થાનને હૈદરાબાદ સામેની મૅચમાં પ્રથમ બૅટિંગનો મોકો મળ્યો હતો. હૈદરાબાદના કમબૅક ક.પ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. તેની ગેરહાજરીમાં સુકાન સંભાળનાર ઇશાન કિશન સાતેય મૅચમાં ટૉસ હાર્યો હતો, પણ કમિન્સે આવતાવેંત ટૉસ જીતી લીધો. કિશનની કૅપ્ટન્સીના ભરપૂર વખાણ કરનાર કમિન્સે ઇલેવનમાં પોતાના સમાવેશ માટે મદુશન્કાના સ્થાને પડતો મૂક્યો હતો, જ્યારે પ્રફુલ્લ હિન્ગેને હર્ષ દુબેની જગ્યાએ રમવાની તક અપાઈ હતી. કમિન્સ તથા હૈદરાબાદના અન્ય બોલર્સ સામે રાજસ્થાનના યુવા ઓપનર્સ વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની આકરી કસોટી થવાની હતી જેમાં વૈભવ પાર ઊતર્યો, પણ યશસ્વી (10 રન) નિષ્ફળ ગયો હતે. 13મી એપ્રિલે હૈદરાબાદે રાજસ્થાનને આ વખતના પ્રથમ મુકાબલામાં 57 રનથી હરાવ્યું હતું અને શનિવારે વધુ એક વિજય મેળવ્યો. એ મૅચમાં ઇશાન કિશને 91 રન કર્યા હતા તેમ જ પછીથી હૈદરાબાદના પ્રફુલ્લ હિન્ગે અને સાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ લીધી હતી. શનિવારે પણ કિશને 74 રનની કમાલ બતાડી.
IPL
`નસીબવંતા' વૈભવની બોલબાલા, ચાર બૉલમાં ચાર છગ્ગાઃ પૅટ કમિન્સને પણ ન છોડ્યો
જયપુરમાં હૈદરાબાદે બૅટિંગ આપ્યા બાદ રાજસ્થાને આતશબાજી શરૂ કરી દીધી હતી અને ચાર ઓવરમાં એક વિકેટે 47 રન કર્યા હતા. ખૂબીની વાત એ છે કે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફરી અસલ રૂપ બતાવ્યું હતું. તેણે પેસ બોલર પ્રફુલ્લ હિન્ગેની સૌપ્રથમ ઓવરમાં ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારી દીધી હતી. યશસ્વીએ પ્રથમ બૉલ પર એક રન લીધો ત્યાર બાદ બીજો બૉલ ડૉટ ગયો હતો. જોકે વૈભવે ત્રીજા બૉલથી તાકાતનું પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બૉલમાં છગ્ગો ફટકારી દીધો હતો અને જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. ફુલ્લી ફિટ થઈને આ વખતે પહેલી વખત રમવા આવેલા ઑસ્ટ્રેલિયાના પૅટ કમિન્સે પણ વૈભવે નહોતો છોડ્યો. તેની ઓવરના છઠ્ઠા બૉલમાં વૈભવે સિક્સર ફટકારી હતી. ડીપ મિડવિકેટ પર ઊભેલો હૈદરાબાદનો ફીલ્ડર ઊંચે હવામાં પસાર થઈ રહેલા બૉલને જોતો રહી ગયો હતો. વૈભવને તેના 32મા રને અનિકેતના હાથે જીવતદાન મળ્યું હતું અને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો.
આખા દિવસમાં કુલ 59 છગ્ગા અને 96 ચોગ્ગા
શનિવાર આઇપીએલમાં જે બે મૅચ (ડબલ હેડર) એમાં કુલ મળીને 59 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કુલ 96 ચોગ્ગાનો પણ વરસાદ થયો હતો અને દિલ્હી તેમ જ જયપુરના સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોએ તેમ જ ટીવી પર કરોડો ક્રિકેટપ્રેમીઓએ એની મોજ માણી હતી.
રવિવારે કઈ બે મૅચ?
ચેન્નઈ વિરુદ્ધ ગુજરાત
ચેન્નઈમાં, બપોરે 3.30
લખનઊ વિરુદ્ધ કોલકાતા
લખનઊમાં, સાંજે 7.30